ભુજ, તા. 5 : ત્રણ દિવસ પહેલાં પાયરકા અને
મખણા ગામની વચ્ચે કબીરવાડી પાસે ફરિયાદી બહેન અને મૈત્રી કરારવાળા સાહેદ તથા દીકરાનાં
બાઇક ઉપર ભાઇએ જ મારી નાખવાના ઇરાદે ગાડી ચડાવી અસ્થિભંગ અને ટાંકા જેવી ઇજાઓ પહોંચાડી
હતી. આ બનાવ અંગે આજે માનકૂવા પોલીસ મથકે હાલે સુખપર રહેતા મૂળ ભડલી (તા. નખત્રાણા)ના
રમીલાબેન રામજીભાઇ સીજુએ નોંધાવેલી ફરિયાદ મુજબ સાહેદ ધનજી કાનજી મારવાડા (રહે. ભડલી)
સાથે મૈત્રીકરાર કર્યા હોવાથી આ બાબત તેના ભાઇ દિનેશ રામજી સીજુ (સુખપર)ને ગમતી ન હોવાથી
તેનું મનદુ:ખ રાખી ફરિયાદી તથા સાહેદ ધનજી અને દીકરો દીક્ષિત ત્રણે બાઇક નં. જીજે-12-એક્યુ-5471થી ગત તા. 2-7ના સુખપરથી ભડલી જતા હતા ત્યારે
આરોપી ભાઇ એવા દિનેશે ર્સ્કોપિયો ગાડી નં. જીજે-18-બીબી-2406વાળીથી આવી
બાઇકને પાછળથી ટક્કર મારતાં ત્રણે નીચે પડી ગયા હતા. આ બાદ ફરીથી બીજીવાર ગાડી બાઇક પર ચડાવી દીધી હતી. ફરિયાદીને
પગમાં ફ્રેક્ચર તથા સાત ટાંકાની ઇજા પહોંચી હતી અને સાહેદ ધનજી તથા દીકરા દીક્ષિતને
ઇજાઓ પહોંચ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી
હાથ ધરી છે.