ભુજ, તા. 5 : કચ્છમાં વરસાદ ખેંચાતાં પાણીની
કટોકટી સામે આવી રહી છે. આ વચ્ચે પાણી ચોરો પણ સક્રિય બન્યા છે. બન્ની જૂથ પાણી પુરવઠા
યોજનાની નર્મદાની પાણીની લાઈનમાંથી બન્ની વિસ્તારમાં પાણીચોરી થયાની બે ફરિયાદમાં સાત
આરોપી સામે ત્રણ લાખ રૂપિયાના પાણીની ચોરી કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આજે ખાવડા
અને ધોરડો પોલીસ મથકે અમદાવાદની એલ.સી.સી. પ્રોજેક્ટ લિ.ના મેનેજર કે.એસ. બરાડિયાએ
નોંધાવેલી ફરિયાદ મુજબ બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાની નર્મદાની પાણીની પાઈપલાઈનમાંથી
પાણીચોરી થતી હોવાની રાવ મળતાં તપાસ કરાતાં ભીરંડિયારાથી ખાવડા રોડ પર સરગુ પાસેની
હાઈવે હોટલમાં આરોપી લતીફ તાજન નોડે (રહે. સરગુ) તથા જનતા ટી હાઉસના ઓસમાણ મલુક નોડે
(રહે. અકવી)એ તા. 18/6થી પહેલાં
તેમના અંગત સ્વાર્થ ખાતર પાઈપલાઈનમાંથી ગેરકાયદે જોડાણ લઈ કુલ રૂા. બે લાખની પાણીચોરી
કર્યાની ફરિયાદ ખાવડા પોલીસ મથકે નોંધાવી હતી. આ ઉપરાંત આજે આવી જ ફરિયાદ ફરિયાદીએ
ધોરડો પોલીસ મથકે પણ નોંધાવી હતી, જેમાં
ભીરંડિયારાથી ધોરડો માર્ગ પર હોટલ, ડેરી, બ્લોકના કારખાના તથા રિસોર્ટના ગેરકાયદે પાણીના જોડાણ મેળવી કુલ રૂા. એક લાખની
પાણીચોરી કર્યાની ફરિયાદ આરોપીઓ ખમીશા રમઝાન રાયશી, જામીન સુમાર
રાયશી, પુજાભાઈ હીરાભાઈ મારવાડા (રહે. ત્રણે ભીરંડિયારા) અને
જુસબ રમજાન હાલેપૌત્રા, સોયબ જુમા હાલેપૌત્રા (રહે. બન્ને સાડઈ)
વિરુદ્ધ નોંધાવી હતી.