ભુજ, તા. 18 : કચ્છનો યુવાધન નશાની નાગચૂડમાં
ફસાઇ રહ્યો છે. શરાબની સાથોસાથ ડ્રગ્સ અને ગાંજાની ધુમ્રસેર થકી અનેક ઘર બરબાદ થઇ રહ્યા
છે. છેલ્લા ત્રણેક દિવસ ગાંજા પકડાયાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ
કચ્છમાં વધુ ત્રણ દરોડામાં ગાંજા પકડાયાની ઘટના સામે આવી છે જેમાં લાખોંદ, લુણી અને મુંદરાના શખ્સો માદક પદાર્થ ગાંજા
સાથે ઝડપાયા છે. ગઇકાલે માધાપર પોલીસે બાતમીના આધારે શેખપીર તરફથી ઇલેક્ટ્રીક મોપેડથી
આવતા શખ્સને માધાપર ચોકી સર્કલ પાસે ઊભો રખાવી તેની તપાસ કરતાં તેની પાસેથી માદક પદાર્થ
ગાંજો 239 ગ્રામ જેની કિં. રૂા. 11,950 મળી આવ્યો હતો. એક મોબાઇલ કિં.
રૂા. 2000 અને ઇલેક્ટ્રીક મોપેડ કિં.
રૂા. 20,000 એમ કુલે રૂા. 33,950ના મુદ્દામાલ સાથે આરોપી હરજીભાઇ
દેવજીભાઇ હાલાઇ (રહે. લાખોંદ)ને ઝડપી આ ગાંજો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતાં ગત તા.
30/5થી 11/6 સુધી હરિદ્વાર દર્શન કરવા ગયો
હતો. ત્યાં હરતા-ફરતા અજાણ્યા બાવા-સાધુ પાસેથી માંગીને રૂા. 1500માં લીધો હોવાનું જણાવ્યું
હતું. બીજીબાજુ ગઇકાલે મુંદરા મરિન પોલીસને પણ બાતમી મળી હતી કે, લુણીનો સુલતાન મામદ ઉનડ તેના કબજાની સુઝુકીની
બર્ગમેન મોપેડ નં. જી.જે. 12 એચ.ઇ. 6313વાળીની ડેકીમાં
માદક પદાર્થનો જથ્થો રાખી મુંદરાથી લુણી તરફ પસાર થવાનો છે. આ બાતમીના આધારે શેખડિયા
તરફ વોચ ગોઠવી આરોપીને માદક પદાર્થ ગાંજો 102 ગ્રામ કિં. રૂા. 5100 અને મોપેડ કિં. રૂા. 30,000 તથા મોબાઇલ કિં. રૂા. 5000 એમ કુલે રૂા. 40,100ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછતાછ કરતાં આ ગાંજો મુંદરાના નદીવાળા
નાકા પાસેથી એક અજાણ્યા ઇસમ પાસેથી પોતે પીવા માટે લાવ્યાનું જણાવ્યું હતું. દરમ્યાન, ગઇકાલે જ મુંદરા પોલીસે ભૂખી નદીના પટમાં ગાંજાનું
છૂટકમાં વેચાણ કરતા મામદહુસેન જુમા સમેજા (રહે. સુખપરવાસ, મુંદરા)ને
ગાંજો 87 ગ્રામ કિં. રૂા. 4350 તથા રોકડ રૂા. 600 એમ કુલે રૂા. 4950ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો
હતો. આ ત્રણે બનાવમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુના દાખલ કરી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી હતી.