ભુજ, તા. 18 : માધાપરની પરિણીતાને ફોટા વાયરલ
કરવાની ધમકી આપી બળજબરીથી સંબંધ રાખવા પરેશાન કરાતાં પરિણીતાએ જૂન માસમાં આપઘાત કરી
લીધો હતો. આ બનાવ બાદ મૃતકના પિતાએ ભુજના શખ્સ વિરુદ્ધ મરવા મજબૂર કર્યા અંગે ફરિયાદ
લખાવી છે. મૃતક પરિણીતાના પિતાએ ગઇકાલે માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી
સમીર જુણસ પઢિયાર (રહે. જૂની બકાલી કોલોની પાસે,
ભુજ) તેમની મૃતક પરિણીત દીકરી સાથે સંબંધ રાખવા અવાર-નવાર પીછો કરતો
હતો અને સંબંધ ન રાખે તો તેના મોબાઇલમાં રહેલા મૃતક દીકરીના ફોટા વાયરલ કરવાની ધમકી
આપી અવાર-નવાર પરેશાન કરતો હોવાથી ફરિયાદીની દીકરીએ જૂન માસમાં આત્મહત્યા કરી લીધી
હતી. આમ તેના ત્રાસે તેને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આત્મહત્યા,
દુષ્પ્રેરણ અંગે ગુનો નોંધી તપાસ
આદરી છે.