ગાંધીધામ, તા. 4 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં જીનસ કંપની
પાછળ લાકડાના બેન્સા પાસેથી ધાણેટીના નવીન સાજણ રબારી (ઉ.વ. 20) નામના યુવાનની શંકાસ્પદ
હાલતમાં લાશ મળી આવી હતી. યુવાનનું મોત કેવા કારણોસર થયું હશે તેના સચોટ કારણો જાણવા
લાશને પી.એમ. અર્થે જામનગર લઇ જવાઇ હતી. ભુજ તાલુકાના ધાણેટી ગામના નવીન રબારી નામના
યુવાનની લાશ આજે સવારે 8.30ના અરસામાં મળી આવી હતી, તે પહેલાં કોઇ પણ સમયે તેનું મોત
થયું હતું. મેઘપર બોરીચીમાં જીનસ કંપની પાછળ લાકડાના બેન્સાની દીવાલ, થાંભલા પાસેથી
આ યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગનું
કામ કરનાર આ યુવાન ધાણેટીથી અહીં કોઇ કારણોસર આવ્યો હતો. શંકાસ્પદ હાલતમાં તેનું મોત
થતાં સચોટ કારણો જાણવા માટે પેનલ તબબોથી પી.એમ. કરાવવા લાશને જામનગર લઇ જવાઇ હોવાનું
પી.એસ.આઇ. બી. એસ. ચૌહાણે જણાવ્યું હતું. દરમ્યાન પોલીસે આસપાસના સી.સી.ટી.વી. કેમેરાના
ફૂટેજ તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવાનનું બાઇક થોડે દૂરથી મળી આવ્યું
હોવાનું પોલીસે ઉમેર્યું હતું. યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં ભારે ગમગીની પ્રસરી
હતી.