• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

ગાંધીધામના સર્વાંગી વિકાસ માટે ચેમ્બરની ચર્ચા

ગાંધીધામ, તા. 29 : ગાંધીધામ-આદિપુર સંકુલને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સંકુલના સર્વાંગી વિકાસને સુનિયોજિત દિશા આપવા તથા નાગરિકો અને વેપાર-ઉદ્યોગ જગતને આધુનિક પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડની અધ્યક્ષતામાં માનદ મંત્રી મહેશ તીર્થાણી, સહમંત્રી જતીન અગ્રવાલ અને ખજાનચી કૈલેશ ગોરના પ્રતિનિધિમંડળે મનપાના મેયર દિવ્યાબેન નાથાણી, ઉપમેયર નવીનભાઈ જરુ તથા કારોબારી સમિતિના ચેરમેન તેજસ શેઠ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરના વર્તમાન પ્રશ્નો, બાકી રહેલી કામગીરી અને ભવિષ્યલક્ષી વિકાસ આયોજન અંગે ચર્ચા થઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ગાંધીધામ- આદિપુર સંકુલની વસ્તીને અનુરૂપ પાયાની સુવિધાઓનું સ્તર ઊંચું લાવવું અનિવાર્ય છે. નિયમિત સફાઈ, સમયસર પાણી વિતરણ, આંતરિક-મુખ્ય માર્ગોની જાળવણી, સ્ટ્રીટ લાઈટ અને ડ્રેનેજ વ્યવસ્થાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ખાસ કરીને ગાંધીધામ જીઆઇડીસી વિસ્તારમાં રસ્તા, પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી માળખાગત સુવિધાઓ સુદૃઢ બને તો ઉદ્યોગો, શ્રમિકો અને વાણિજ્યને મોટો લાભ થાય તેમ છે. ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સર્વિસ રોડ અને આધુનિક શહેરી માળખાનું આયોજન કરવાની અપેક્ષા તેમણે દર્શાવી હતી. માનદ મંત્રી મહેશ ભાઈ એ જાહેર આરોગ્ય અને સુવિધાઓ અંગે રજૂઆત કરતાં જણાવ્યું કે, સામાન્ય અને મધ્યમ વર્ગના હિત માટે સરદારગંજ હોસ્પિટલને જરૂરી સુવિધાઓ સાથે ત્વરિત ફરી કાર્યરત કરવી જોઈએ તેમ કહીને  વધુમાં તેમણે રોટરી ફોરેસ્ટથી સ્મશાનભૂમિ સુધીના માર્ગને પહોળો કરી લાઇટની વ્યવસ્થા કરવા, આંબેડકર સર્કલથી કોટેશ્વર ચોકડી સુધીના માર્ગના બ્યુટિફિકેશન દરમિયાન અસરગ્રસ્ત 200થી વધુ કેબિનધારકોને ડીપીટી દ્વારા ફાળવેલી જમીન પર પુન?વસન કરવા, ગોપાલપુર રેલવે સ્ટેશન આસપાસ માળખાકીય સુધારા, ભારતનગરમાં નાળાના લેવાલિંગ તેમજ રખડતા પશુઓ માટે વ્યવસ્થિત કેટલ શેલ્ટર ઊભું કરવા માગ કરી હતી. હકારાત્મક પ્રતિભાવ આપતાં મેયર દિવ્યાબેન નાથાણીએ જણાવ્યું કે, મનપાના વિકાસમાં વેપાર-ઉદ્યોગ અને નાગરિકોના સૂચનો મહત્વપૂર્ણ છે. રજૂ કરાયેલા મુદ્દાઓનો અભ્યાસ કરી વિવિધ વિભાગો સાથે સંકલન સાધી પાયાની સુવિધાઓને પ્રાથમિકતા અપાશે. ઉપમેયર એ સંવાદ દ્વારા સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, જ્યારે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસ શેઠે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી આયોજનબદ્ધ રીતે કામગીરી આગળ ધપાવાશે. તેમ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd