અસ્તાના, તા.29 : કઝાકિસ્તાનના અસ્તાના ખાતે
ચાલી રહેલી સિનિયર વર્લ્ડ રેસાલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ નવો ઈતિહાસ
રચ્યો છે. ચેમ્પિયનશિપની એક જ સિઝનમાં બે ભારતીય મહિલા પહેલવાનોએ ફાઇનલમાં પ્રવેશ કરવાનો
અભૂતપૂર્વ વિક્રમ નોંધાવ્યો છે. જેમાં કાજલ ઢોચક અને નીલમ સિરોહીએ શાનદાર પ્રદર્શન
સાથે સિલ્વર મેડલ જીત્યા છે. માત્ર 18 વર્ષની કાજલ ઢોચકે 76 કિગ્રા હેવીવેઇટ કેટેગરીમાં રજત ચંદ્રક જીતીને ભારતીય કુસ્તી
ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. તે વિશ્વ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં
હેવીવેઇટ કેટેગરીમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની છે. રોમાંચક ફાઇનલમાં
યુક્રેનની અનુભવી અનાસ્તાસિયા અલ્પીયેવા સામે કાજલે લડાયક મિજાજ દાખવ્યો હતો. એક સમયે
મેચ 4-4થી બરાબરી પર પહોંચી હતી. જોકે
અંતે અલ્પીયેવાએ 8-6થી જીત મેળવી
હતી. આ પહેલા સેમિફાઇનલમાં કિર્ગિસ્તાનની કુસ્તીબાજ સામે 1-7થી પછડાયા બાદ 10-7થી વિજય મેળવી કાજલે ફાઇનલમાં
પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં 26 વર્ષીય નીલમ સિરોહીને ઓલિમ્પિક
ચેમ્પિયન અને જાપાનની દિગ્ગજ યુઈ સુસાકી સામે હારનો સામનો કરવો પડયો હતો. સુસાકીએ પ્રથમ
પિરિયડમાં 5-0ની સરસાઈ બાદ નીલમને પિન-ફોલ
કરીને પોતાનું પાંચમો વર્લ્ડ ગોલ્ડ જીતી લીધો હતો. નીલમે સેમિફાઇનલમાં કઝાકિસ્તાનની
ઝેનેપ બયાનોવાને 7-3થી મ્હાત
આપી હતી.