ભુજ, તા. 29 : શહેરના મહેરઅલી ચોકમાં હેન્ડીક્રાફટની
હોલસેલની દુકાનમાં નિશાચરે હાથ મારી રાત વચ્ચે રૂા. 1,78,600ના અજરખ, મશરૂના વિવિધ કપડાં અને કાપડની ચોરી કર્યાનો
બનાવ સામે આવ્યો છે. આ ચોરી અંગે એ-ડિવિઝન પોલીસ મથકે વેપારી ધૈર્ય સુરેશભાઈ મહેતાએ
લખાવેલી ફરિયાદ મુજબ તેની મહેરઅલી ચોક ખાતે ડીપીની પાછળ ઉજ્વલ હેન્ડીક્રાફટ હોલસેલની
દુકાન છે. તા. 28/10ના રાબેતા
મુજબ રાત્રે 8:30 વાગ્યે દુકાન બંધ કરી ઘરે જતા
રહ્યા હતા અને બીજા દિવસે (આજે) સવારે 10:30 વાગ્યે દુકાનમાં જોતાં કપડાંના થાન જોવા મળ્યા ન હતા. રાત દરમ્યાન
મેઈન સ્વીચ બંધ હોવાથી દુકાનમાંના સીસીટવી કેમેરા જોતાં કંઈ જોવા મળ્યું ન હતું. ફરિયાદીએ
પોતાનો માલ ચકાસતાં અજરખ-મશરૂના 25 થાન કિં.
રૂા. 33,000, મશરૂમ કુર્તિ 50 નંગ કિં. રૂા. 40,000, ચણિયા નંગ 10 કિં. રૂા. 9,000, બાંધણીના દુપટ્ટા નંગ-10 કિં. રૂા. 7,000, પ્લેન મશરૂ થાન 80 કિં. રૂા. 89,600 એમ કુલ્લે રૂા. 1,78,600ના મુદ્દામાલની કોઈ અજાણ્યો
ચોર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.