ભુજ, તા. 29 : મુંદરાના પાર્કિંગમાં યુ-ટર્ન
લેતાં પાછળના કન્ટેનર સાથે ટ્રેઈલર અથડાવતાં ટ્રેઈલર પલટતાં ચાલક સંતોષકુમાર યાદવ પોતાના
ટ્રેઈલર તળે દબાઈ જતાં ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ માનકૂવામાં
તા.27/10ના રાતે ટ્રકે બાઈકને ટક્કર
મારતાં ગામના 20 વર્ષીય યુવક પ્રવીણ ખેતશી મેરિયાનું
મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય
યુવાનને ઈજા પહોંચી હતી. મુંદરાના ધ્રબની સીમના વેરહાઉસમાં મજૂરી કામ દરમ્યાન પરપ્રાંતીય
22 વર્ષીય નીતીશકુમાર અવેધેશરામ
ઉપર ગૂણીઓનો જથ્થો પડતાં તે તેના નીચે દબાઈ
જતાં ગંભીર ઈજાનાં પગલે સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો. જ્યારે રાપરના કુડાજામપરની
ખેત તલાવડીમાં તા. 30/5ના ખેડૂત
કાનજી દેવાભાઈ ઢીલા (ઉ.વ.45)નું ડૂબી
જવાથી મોત થયું હતું. મુંદરાના રંગોળી પાર્કિંગ પાસે આજે 3:45 વાગ્યે ટ્રેઈલર નં. જીજે-12-બીએક્સ-9196ના ચાલક સંતોષકુમાર યાદવે ગાડીનો
યુ-ટર્ન લેતી વખતે પોતાના કબજાનું ટ્રેઈલર બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી પાછળના
કન્ટેનર સાથે અથડાવી દેતાં તેનું ટ્રેઈલર પલટી ખાઈ ગયું હતું અને ચાલક સંતોષકુમાર પોતાના
આ ટ્રેઈલર તળે આવી જતાં ગંભીર ઈજાનાં પગલે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેનું
મૃત્યુ થયાની વિગતો વિજયકુમાર દુબે (રહે. ધ્રબ, તા. મુંદરા)એ મુંદરા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે ફરિયાદ દાખલ
કરી કાર્યવાહી હાથ ધરી છે. વિદેશ જવા કાગળ માટે નીકળ્યો, પણ ટ્રક
તળે કચડાયો બીજીતરફ માનકૂવાના યુવક સાથે ઘટેલી કરુણ ઘટનાની વિગતો મુજબ ફરિયાદી દિનેશ
કરશનભાઇ સીજુ (માનકૂવા)એ માનકૂવા પોલીસમાં જાહેર કર્યું કે, ગત
તા. 27/10ના રાત્રે તે તથા તેનો મિત્ર
પ્રવીણ ખેતશી મેરિયા (માનકૂવા) ગામના વથાણ ચોકમાં બેઠા હતા ત્યારે પ્રવીણે વાત કરી
કે, તેને વિદેશ નોકરી માટે જવા અંગેના કાગળો કરવા
સુખપર ઓફિસે જવું છે. આથી બંને પ્રવીણની બાઇક નં. જી.જે.-12-ઇ.એ.-7953વાળી લઇને નીકળ્યા હતા અને
માનકૂવાથી આગળ મંદિરના શિખર બનાવવાના કારખાના પાસે પહોંચ્યા જ હતા ત્યાં પાછળથી પૂરપાટ
આવેલી ટ્રક નં. જી.જે.-12-બી.ઝેડ.-2307વાળીએ જોરદાર ટક્કર મારતાં
પાછળ બેઠેલ ફરિયાદી દિનેશ રોડની સાઇડમાં પટકાયો અને પ્રવીણ ઉપર ટ્રકના ટાયર ફરી વળતાં
ગંભીર ઇજાનાં પગલે તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો
દાખલ કરી તજવીજ આદરી છે. ગત તા. 22/10ના રાત્રે
આઠેક વાગ્યે ધ્રબ સીમમાં યસ પાણીના પ્લાન્ટની બાજુમાં આવેલા એશિયન કાંટાની પાછળ તત્વીકા
લોજિસ્ટિક વેરહાઉસમાં સ્ટોકમાં રાખેલી બોરીઓ (ગૂણી)નો જથ્થો મૂળ બિહારના શ્રમિક યુવાન
નીતીશકુમાર ઉપર પડતાં તે તેની નીચે દબાઇ જતાં કમર તથા પેટ સહિત આંતરિક ઇજાના પગલે તેનું
સારવાર દરમ્યાન મૃત્યુ થયાની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. બીજીતરફ રાપર તાલુકાના કુડાજામપરમાં રહેતા ખેડૂત
કાનજીભાઇ ઢીલાનું ગત તા. 30/5ના પરોઢે
તેમની વાડીમાં આવેલી ખેતતલાવડીમાં પગ લપસી જતાં પાણીમાં ડૂબી ગયા હતા. આથી તેમનું મૃત્યુ
થયાની વિગતો ગઇકાલે રાપર પોલીસ મથકે મૃતકના પુત્ર વિરભાણે જાહેર કરતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહીઐ હાથ ધરી છે