• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

ભાજપનો નવો વ્યૂહ

મધ્યપ્રદેશ ચૂંટણી માટે ભાજપે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર સહિત ત્રણ પ્રધાન અને સાત લોકસભાના સભ્ય પણ વિધાનસભાની ચૂંટણી લડશે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયને પણ ટિકિટ આપવામાં આવી છે. બીજી સૂચિમાં પક્ષે અધિકાંશ હારેલી બેઠકો પર દિગ્ગજ ઉતાર્યા છે. પક્ષે સૂચિમાં એવો વિજયી દાવ ખેલ્યો છે કે, મુખ્ય પ્રધાનપદના બધા દાવેદારોને પણ વિધાનસભા ચૂંટણીમાં ઉતારીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તેઓ પોતપોતાનું મતદારક્ષેત્ર સંભાળે, ચૂંટણી જીતે અને જીતાડે પણ. વિધાનસભા ચૂંટણીમાં જે કેન્દ્રીય પ્રધાનોને ઉતારવામાં આવ્યા છે, તેઓ પોતપોતાના જિલ્લામાં લોકપ્રિય છે. આમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, પ્રહ્લાદ પટેલ અને ફગ્ગનસિંહ કુલસ્તે, લોકસભામાં ભાજપના મુખ્ય વ્હીપ અને ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ રાકેશ સિંહ, કૈલાસ વિજયવર્ગીયનો સમાવેશ થાય છે. ભાજપ આ વેળા મુખ્ય પ્રધાનનો ચહેરો ઘોષિત કર્યા વિના વિધાનસભા ચૂંટણી લડી રહ્યું છે. ભાજપે અનેક બેઠકો પર નવા ઉમેદવાર આપવાની સાથે ત્રણ વિધાનસભ્યની ટિકિટ કાપી નાખી છે. આ ત્રણેય પોતાનાં નિવેદનોથી ભાજપ માટે સંકટ ઊભાં કરતા રહ્યા છે. મેહરના વિધાનસભ્ય નારાયણ ત્રિપાઠી આદિવાસી પેશાબકાંડને લઈ વિવાદમાં હતા. કેદારસિંહ અને જાલમસિંહ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. ત્રિપાઠીએ કેટલાક દિવસો પહેલાં સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી હતી, પણ તેમણે અધિકૃતપણે ભાજપથી છેડો નહોતો ફાડયો. ઈન્દોરની એક બેઠકથી કૈલાસ વિજયવર્ગીયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છ વાર સતત વિધાનસભ્ય રહેલા વિજયવર્ગીય 201પથી મધ્યપ્રદેશની રાજનીતિથી દૂર છે. ભાજપે ઉમેદવારોની બીજી સૂચિ કાર્યકર્તા મહાકુંભ પછી બહાર પાડી છે. આ રેલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, ભાજપ સામૂહિક નેતૃત્વ સાથે ચૂંટણીમાં ઊતરશે. પક્ષે જનતા સમક્ષ પોતાના મોટા નેતાઓને રજૂ કરી સ્પષ્ટ કરી દીધું છે કે, ચૂંટણીમાં જીત પછી કોઈ પણ નવા નેતા મુખ્ય પ્રધાન બની શકે છે. બંને સૂચિઓમાં હજી સુધી હાલની સરકારના મુખ્ય નેતાઓની ઘોષણા નથી કરવામાં આવી. આમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ સામેલ છે. મધ્યપ્રદેશમાં ભાજપ લગભગ બે દશકાથી સત્તામાં છે. તેણે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો હતો, પરંતુ પાછળથી કોંગ્રેસમાં બળવાથી ભાજપ સરકાર બની હતી. આ વેળા પણ ચૂંટણી માહોલ જોઈને ભાજપે સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી મેદાનમાં જવાનો નિર્ણય લીધો છે. ભાજપે મોટા નેતાઓને ટિકિટ આપી છે, તેનાથી એ વાતના સ્પષ્ટ સંકેત છે કે, ભાજપ કોંગ્રેસના પડકારને બેહદ ગંભીરતાથી લઈ રહી છે. આ ઉપરાંત, તેની સામે જનતાનું ફીડબેક પણ છે.

Janmadin Vishesh Purti

Panchang