ચેન્નાઈ, તા. 16 : આગામી
આઇપીએલના મિની ઓક્શન પૂર્વે ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર
નજીક આવતા જ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોની ધડકનો તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એવી
અટકળોએ જોર પકડયું છે કે રિટેન્શન લિસ્ટની જાહેરાત સાથે જ મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલમાંથી
નિવૃત્તિ જાહેર કરી શકે છે. આ સમાચારે કરોડો ક્રિકેટ પ્રેમીઓને ભાવુક કરી દીધા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ચાહકો ધોનીને ચેપોકના ઘરેલુ મેદાન પર અંતિમ ફેરવેલ
મેચ રમવાની ભાવુક અપીલ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે, તમે વચન આપ્યું હતું કે અંતિમ મેચ ચેપોકમાં રમશો; મહેરબાની
કરીને એક મેચ રમો, ફેરવેલ લો અને પછી નિવૃત્તિ જાહેર કરો. બીજી
તરફ, કેટલાક ચાહકો એવી પણ અટકળો લગાવી રહ્યા છે કે ધોની ખેલાડી
તરીકે વિદાય લીધા બાદ મેન્ટરની ભૂમિકામાં સીએસકે સાથે જોડાયેલા રહી શકે છે. જોકે,
આ તમામ ચર્ચાઓ વચ્ચે ધોની કે ચેન્નાઈ ફ્રેન્ચાઇઝી તરફથી હજુ સુધી કોઈ
સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે પિંડીની ઈજા અને ફિટનેસની સમસ્યાને કારણે
ધોની ગત આઇપીએલની એક પણ મેચ રમી શક્યા નહોતા, ત્યારથી તેમના ભવિષ્ય
અંગે સસ્પેન્સ યથાવત્ છે. જોકે, ગત મહિને બેંગલુરુમાં એક કાર્યક્રમ
દરમિયાન ધોનીએ ફરીથી મેદાન પર ઉતરવાની શક્યતાઓને સંપૂર્ણપણે નકારી નહોતી.