નવી દિલ્હી, તા. 16 : લોકસભામાં
નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી
દાખલ કરી છે. જેમાં ચૂંટણી પંચ પાસે 48 સવાલનો જવાબ સોગંદનામા મારફતે
આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ અરજી એસઆઈઆર દરમિયાન ચૂંટણી પંચના કામકાજ
સંબંધિત છે. અરજીમાં રાહુલ ગાંધી અને ગઠબંધનના નેતાઓએ સવાલ કર્યો છે કે પુરા દેશમાં
એસઆઈઆરનો નિર્ણય કોનો હતો ? એસઆઈઆર શરૂ કરવાના પંચના નિર્ણયની
ફાઈલ અને તારીખ શું છે ? આ ઉપરાંત ફોર્મ-6ને
બદલવાનો નિર્ણય કોનો હતો તે પણ પુછવામાં આવ્યું છે. રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધન
ઈન્ડિયાના અન્ય નેતાઓએ એસઆઈઆર અંગે ચૂંટણી
પંચને પ્રશ્નાવલી મોકલવાની અનુમતિ માગી છે. હકીકતમાં વિપક્ષ જાણવા માગે છે કે સીઈસી
અને બન્ને ચૂંટણી કમિશનરે 26 ઓક્ટોબરના જવાબી સોગંદનામાને કયારે અને કેવી રીતે
મંજૂરી આપી હતી. શું બેઠકમાં ફાઈલ અથવા ઈલેકટ્રોનિક માધ્યમથી મંજૂરી આપી હતી? આ ઉપરાંત નેતાઓ જાણવા માગે છે કે પુરા દેશમાં એસઆઈઆર શરૂ કરવાના ચૂંટણી પંચના
નિર્ણયની ફાઈલ અને તારીખ શું છે. રાહુલ ગાંધીએ સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ એસઆઈઆરની મંજૂરી,
મતદાર યાદીમાં લોકોના નામ હટાવવા અને ઓનલાઈન પ્રણાલીમાં બદલાવ કરવા મુદ્દે
અધિકારીઓ પાસે સોગંદનામા મારફતે જવાબ દાખલ કરવામાં આવે તેવો નિર્દેશ આપવા માગણી કરી
છે. અરજીમાં પુછવામાં આવ્યું છે કે બન્ને ચૂંટણી કમિશનર વિવેક જોશી અને એસએસ સંધૂએ
કેટલી વખત લેખિતમાં વાંધા નોંધાવ્યા છે. પોતાના સવાલોની યાદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
એક્સ ઉપર શેર કરતા કોંગ્રેસે લખ્યું હતું કે, વોટ ચોરી ઉપર સતત
ઉઠી રહેલા સવાલનો ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં કોઈ જવાબ આપ્યો નથી.
તેવામાં હવે ઈન્ડિ ગઠબંધને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સવાલ પૂછવાની અનુમતિ માગી
છે.