• મંગળવાર, 17 નવેમ્બર, 2026

માંડવીમાં ન્યાય માટે ઐતિહાસિક મહારેલી

ખારવા સમાજની એકતા અને સંગઠનશક્તિનું ભવ્ય પ્રદર્શન : યુવતીની હત્યામાં ન્યાય માટે આવેદનપત્ર અપાયું

માંડવી, તા. 16 : આજે શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા સ્વ. પાર્વતીબેન રામજી પાંજરીને ન્યાય અપાવવા તથા ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આયોજિત ન્યાય માટેની મહારેલીમાં જનમેદની ઊમટી પડી હતી. માંડવીના મુરલીમનોહર મંદિરથી શરૂ થયેલી આ મહારેલીમાં ખારવા સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો અને માતૃશક્તિએ મોટી સંખ્યામાં જોડાઈને સમાજની એકતા, જાગૃતિ અને સંગઠનશક્તિનું શક્તિશાળી પ્રદર્શન કર્યું હતું. મુખ્ય બજાર  ઘટનાસ્થળે  એક મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આઝાદચોક સુધી પગપાળા મૌન રેલી અને ત્યાંથી મોટી સંખ્યામાં બાઈક રેલી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ન્યાયની માંગ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ખારવા સમાજના ઇતિહાસમાં આટલી વિશાળ સંખ્યામાં સમાજ એકજૂટ થઈને ન્યાય માટે રસ્તા પર ઊતર્યો હોય તેવો આ પ્રસંગ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ રહ્યો છે. આજની રેલી દ્વારા સમાજે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અન્યાય સામે સમગ્ર સમાજ એક અવાજે ઊભો રહેશે. વિવિધ સમાજો અને સંગઠનોનો મળ્યો સહયોગ આ મહારેલીને માંડવી વિસ્તારના વિવિધ સમાજો, સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તથા સેવાભાવી વ્યક્તિઓએ સમર્થન આપ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, મર્ચન્ટ એસોસીએશન, સુન્ની મુસ્લિમ ભડાલા જમાત- મોટા સલાયા, સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ- મોટા સલાયા, મહેશ્વરી સમાજ -મોટા સલાયા, માંડવી મહેશ્વરી સમાજ, જોગી સમાજ, માંડવી ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ, હિન્દુ યુવા સંગઠન ભારત સહિત અનેક સંસ્થાઓ અને આગેવાનોનો સહયોગ મળ્યો હતો. માંડવી પોલીસ પ્રસાશન દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં કરવામાં આવેલા સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.  માંડવી ખારવા સમાજના પ્રમુખ જિગરભાઈ ધાયાણી, સલાયા ખારવા સમાજના પ્રમુખ વિશ્રામભાઈ ચૂડાસમા તથા ગાંધીધામ ખારવા સમાજના પ્રમુખ ગુલાબભાઈ સહિતના આગેવાનોનાં માર્ગદર્શન અને સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આયોજનમાં નીલેશભાઈ ઝાલા, પારસ માલમ, પરેશભાઈ ખારવા, વિપુલભાઈ હોદાર, મહેન્દ્રભાઈ માલમ, સાગરભાઈ ચૂડાસમા, પ્રવીણભાઈ ચાવડા, વિશાલભાઈ માલમ, સચિન ઝાલા, નિકુંજ ધાયાણી, હાર્દિક માલમ અને શ્રીપાલ ભદ્રેસા, પરેશ ઝાલા, કાસમ જાફરાબાદી  સહિતના કાર્યકરો જોડયા હતા. સમસ્ત ખારવા સમાજની એક જ માંગ છે કે, સ્વ. પાર્વતીબેનને ન્યાય મળે, સમગ્ર કેસની નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય તથા જવાબદારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગે ચાલુ રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd