• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ઘાસચારાના અભાવે નાની બન્નીના બે હજાર ઘેટાં-બકરાનાં અસ્તિત્વ પર સંકટ

મુરૂની રખાલમાં પશુ ચરાવવાની મંજૂરી આપવા માલધારીઓની માંગ

ઢોરો (તા. નખત્રાણા), તા. 16 : નખત્રાણા તાલુકાના નાની બન્ની પંથકમાં આ વર્ષે નહિવત્ વરસાદના કારણે ઘાસચારો અને પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. વરસાદના અભાવે સીમ અને જંગલ વિસ્તારમાં ઘાસચારો ખૂટી પડયે છે. આવી સ્થિતિમાં ઢોરો ગામના બે હજાર ઘેટાં-બકરાંના અસ્તિત્વ સામે ખતરો મંડાયો છે. પશુપાલન થકી જીવનનિર્વાહ કરતા આશરે 10 માલધારી પરિવારોની રોજીરોટી અને તેમના પશુધનનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. અંદાજે 2,000 જેટલાં ઘેટાં-બકરાં ધરાવતા આ પરિવારો એક તરફ કુદરતી આફત અને બીજી તરફ જંગલ ખાતાના પ્રતિબંધો તથા સોલાર પ્રોજેક્ટની ભીંસ વચ્ચે લાચાર બન્યા છે. વર્ષોથી નાના પશુધનના સહારે પરિવારનું ગુજરાન ચલાવતા આ માલધારીઓ માટે હવે પશુઓને ખવડાવવાનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. સરકારી સ્તરે મોટા (ગાય, ભેંસ) પશુધન માટે સહાય અને સબસિડીની જાહેરાતો થઈ છે, જેનો લાભ આજે નહીં તો કાલે મળી જશે, પરંતુ અમારા નાના પશુ (ઘેટાં બકરા)ને ભૂખ્યાં પશુઓને બચાવવા કોણ આગળ આવશે? તેવો સવાલ ઢોરોના માલધારી નૂરમામદે ઊઠાવી મુરૂ ગામની રખાલમાં પોતાના ઘેટાં-બકરાંને ચરાવવાની મંજૂરી આપવા માંગ કરી છે. મુરૂ રખાલમાં આશરે 200 હેક્ટર વિસ્તારમાં ઘાસચારો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, છતાં વન વિભાગ દ્વારા પશુઓને ચરાવવાની મનાઈ કરાય છે. રોપા વાવેતરનું કારણ આગળ ધરીને પશુઓને પ્રવેશવા દેવાતા નથી. રખાલમાં કેટલાંક વૃક્ષો દસ ફૂટથી પણ ઊંચાં છે, તો ઘેટાં-બકરાંથી તેમનું નુકસાન કેવી રીતે થઈ શકે? તેવો સવાલ તેમણે ઊઠાવ્યો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd