• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ભારતના સત્ત્વ, જ્ઞાન, આચરણ, પરંપરાઓ સંસ્કૃતમાં સમાયેલા છે

ગાંધીધામમાં સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સંસ્કૃત પ્રબોધન વર્ગનો આરંભ

ગાંધીધામ, તા. 16 : સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ગાંધીધામ ખાતે સાત દિવસીય આવાસીય સંસ્કૃત પ્રબોધન વર્ગનો  પ્રારંભ થયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષસ્થાને સંસ્કૃત ભારતી પશ્ચિમ ક્ષેત્રના વિદ્વત્ પરિષદ પ્રમુખ ડો. કૃષ્ણપ્રસાદ નિરૌલાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ ડો. મહેશભાઈ ઓઝા, પૂ. સંધ્યાગિરિબાપુ સંસ્કૃત મહાવિદ્યાલય, સામખિયારીના પ્રધાનાચાર્ય ડો. રવિશંકરભાઈ રાજગોર, આર્ય સમાજ ગાંધીધામના મંત્રી ગુરુદત્ત શર્માજી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ જખાભાઈ હુંબલ, સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ડો. પ્રણવભાઈ રાજ્યગુરુ તથા વર્ગાધિકારી અખિલેશ આર્યજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. મહેશભાઈ ઓઝાએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ભારતનું સ્વત્ત્વ, જ્ઞાન, આચરણ અને પરંપરાઓ સંસ્કૃત ભાષામાં સમાયેલાં છે. આ અમૂલ્ય વારસાને પુન: જાગૃત કરી જનમાનસ સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય સંસ્કૃતભારતી કરી રહી છે. સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃતિનો આધાર છે. કાર્યક્રમની આભારવિધિ સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનાં સદસ્યા તથા વર્ગ વ્યવસ્થાપિકા શિવાનીબેન પરમારે કરી હતી. જ્યારે સમગ્ર સત્રનું સંચાલન પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મેમકિયાએ કર્યું હતું. આ સાત દિવસીય આવાસીય સંસ્કૃત પ્રબોધન વર્ગમાં આશરે 50 સંસ્કૃતપ્રેમી જોડાયા છે. તેમાં આશરે છ સંસ્કૃત કુટુંબ પણ સહભાગી બન્યાં છે. વિશેષતા એ છે કે આ વર્ગમાં બાળકો, યુવાનો, વ્યવસાયિકો, શિક્ષકો, ચિકિત્સકો, ગૃહિણીઓ, અધિવક્તાઓ, ન્યાયાધીશો તથા નિવૃત્ત અધિકારીઓ સહિત સમાજના વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. સહભાગીઓ દરરોજ સવારે 5:30થી રાત્રે 10:00 વાગ્યા સુધી સંપૂર્ણ સંસ્કૃતમય વાતાવરણમાં રહેશે. આ દરમિયાન સંસ્કૃત સંભાષણ, વ્યાકરણ, ગણકાર્ય, વિશેષ સત્રો, ક્રીડા સત્રો તથા બૌદ્ધિક સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ પ્રવૃત્તિઓ સંસ્કૃત ભાષામાં જ યોજાશે. એટલું જ નહીં, રાત્રિના અનૌપચારિક કાર્યક્રમોમાં પણ ગીત, નાટક, હાસ્ય-વિનોદ, સંવાદ, અભિનય, વિવિધ સ્પર્ધાઓ તથા ગરબા જેવી પ્રવૃત્તિઓ સંસ્કૃત ભાષામાં જ રજૂ કરવામાં આવશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd