• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

વિશ્વ કુસ્તીમાં સુવર્ણ જીતી મનીષાએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી, તા. 30 : ભારતની સ્ટાર કુસ્તીબાજ મનીષા ભાનવાલ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે. તેણે આજે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં અમેરિકાની એબિગેલ નેટને 59 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં 8-6થી હરાવી હતી. 29 વર્ષીય મનીષા એક સમયે હરીફાઇમાં 1-5થી પાછળ હતી, પરંતુ છેલ્લે 3 મિનિટમાં સાત પોઇન્ટ મેળવીને સ્પર્ધા જીતી લીધી હતી. મનીષાના પિતા સુરેશની ઇચ્છા હતી કે, તેમની પુત્રી એક દિવસ વિશ્વ કુસ્તીમાં ચેમ્પિયન બને. જો કે, 17 એપ્રિલ 2022માં તેમને હૃદયરોગનો હુમલો આવતાં અવસાન થયું હતું, પરંતુ આ જીતથી મનીષાએ તેમનું સ્વપ્નું પૂર્ણ કર્યું હતું. મનીષાએ આ ગોલ્ડ મેડલ 39 વર્ષ બાદ અપાવ્યો હતો. નોન-ઓલિમ્પિક 59 કિગ્રા વર્ગમાં ઊતરેલી મનીષાએ આખી ટૂર્નામેન્ટ દરમિયાન સારી રમતનું પ્રદર્શન કર્યું છે; તેણે બે મુકાબલા પિનફોલથી જીત્યા છે અને અન્ય એક મુકાબલામાં પ્રતિસ્પર્ધીને એક પણ ટેકનિકલ પોઇન્ટ લેવા દીધો નહોતો. આ વખતે મંગળવારે કાજલ ઢોચકે 76 કિગ્રા અને નિલમ સિરોહીએ 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો હતો. જો કે, બન્ને રેસલર્સ આખરી મુકાબલામાં હારી જતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. બીજી તરફ, 72 કિગ્રા કેટેગરીમાં ભારતીય રેસલર તનુએ શાનદાર વાપસી કરતાં અમેરિકાની પ્રેશિયસ રોસન્ના બેલને 9-5થી પરાજય આપી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનીષાના પિતા સુરેશે તેને કુસ્તીમાં આવવા માટે પ્રોત્સાહન પૂરું પાડયું હતું. 2013માં દીકરીની શારીરિક ક્ષમતા વધારવા માટે ટ્રેનિંગ કેમ્પમાં મોકલી હતી. આમ, ધીરે-ધીરે શારીરિક ક્ષમતા વધારવાથી માંડી કુસ્તી સુધી તેની કારકિર્દી વિકસી હતી. આ યાત્રામાં રોહતકના છોટુરામ અખાડા અને કોચ મંદીપસિંહની મુખ્ય ભૂમિકા રહી હતી.  મનીષાએ જાપાની કોચ કોસેઇ અકાઇશીના માર્ગદર્શનમાં પણ કુસ્તીની પદ્ધતિ વિકસાવી હતી. 59 કિલોગ્રામ વર્ગમાં મનીષાએ ફાઇનલ સુધી પહોંચવા માટે સતત ત્રણ મુકાબાલા જીત્યા હતા. કેનેડાની લોરેન્સ બ્યૂરોગાર્ડને તેણે પિનફોલથી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં મોંગોલિયાની બોલોરતુયા ખુરેલખુને 6-0થી હાર આપી હતી. ત્યારબાદ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનની અલ્ટિન શાગાયેવાને 10-5થી હરાવી ફાઇનલમાં સ્થાન  મેળવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd