અંજાર, તા. 30 : અહીંના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી છે. આ સ્પર્ધામાં
વિશ્વભરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 35 એવોર્ડ દ્વારા આયોજિત બ્લૂ કલર થીમ આધારિત સ્પર્ધામાં તેમના પેઇન્ટેડ સ્ટોર્ક
પક્ષીનાં છાયાચિત્રને વિશ્વભરમાં ટોપ એક ટકા શ્રેષ્ઠ તસવીરોમાં સ્થાન મળ્યું છે. આ
ઉપરાંત, આ સ્પર્ધામાં
તેઓ ટોપ આઠ ટકા શ્રેષ્ઠ ફોટોગ્રાફરોમાં પણ સ્થાન પામ્યા છે. આયોજક દ્વારા સત્તાવાર
પ્રમાણપત્ર અનુસાર, આ સ્પર્ધામાં વિશ્વના 110 દેશના 1,366 શહેરમાંથી કુલ 4,861 સ્પર્ધકે
ભાગ લીધો હતો અને 19,657 ફોટોગ્રાફ્સ
રજૂ કરવામાં આવ્યા હતા. આટલી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટોપ એક ટકામાં સ્થાન મેળવવી
ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. વન્યજીવન અને પક્ષીઓની ફોટોગ્રાફીમાં વિશેષ રસ ધરાવતા ભૂમિશ પાટડિયા
છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ સહિત વિવિધ સ્થળોએ પ્રકૃતિ અને વન્યજીવનને કેમેરામાં કંડારી
રહ્યા છે. તેઓ પક્ષીઓની સુંદરતા, તેમની વિશિષ્ટતાઓ અને કુદરતી વાતાવરણની વિવિધ ક્ષણોને પોતાના
કેમેરામાં જીવંત રીતે કંડારવાનો પ્રયાસ કરે છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા તેમની ફોટોગ્રાફી
પ્રત્યેની લગન, સર્જનાત્મક દૃષ્ટિ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને
બિરદાવે છે. તેમની આ સિદ્ધિથી અંજાર અને કચ્છનું નામ આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફીનાં ક્ષેત્રમાં
ગૌરવભેર રોશન થયું છે.