• બુધવાર, 27 મે, 2026

કે. કે. પટેલ દ્વારા કેન્યામાં વધુ ત્રણ સ્કૂલ લોકાર્પિત

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 26 : દાયકાઓથી માતૃભૂમિ કાજે દાનની ગંગા વહાવનાર કચ્છીઓ હવે ધાર્મિક સિવાયનું મહત્તમ દાન કર્મભૂમિ માટે ખર્ચવા મન બનાવ્યું છે. સામત્રા કોમ્યુનિટીએ 40 નિશાળ બાંધી છે, તો કે. કે. પટેલે વધુ ત્રણ સ્કૂલો સ્થાનીય બાળકો માટે બનાવી આપી હતી. તાજેતરમાં તેનું લોકાર્પણ થયું હતું. મૂળ સામત્રના કે. કે. પટેલ, ધર્મપત્ની ધનુબેન, પુત્ર દીપકભાઈ, પુત્રી હસ્મિતા સમગ્ર કે સોલ્ટ પરિવારે કસીમાની, મ્વાગાની, બોરોબોરો વિસ્તારોમાં ત્રણ શાળા બનાવી આપતાં સ્થાનિક શિક્ષણ તંત્રને લોકાર્પિત કરી હતી. આ પ્રસંગે લાગણી વ્યકત કરતાં શ્રી પટેલે કહ્યું હતું કે, દર વર્ષે બે કે ત્રણ નિશાળો અમે બનાવી આપશું. માદરે વતનની સરખામણીએ કેન્યામાં અંતરિયાળ ગામોમાં બાળકો લીમડાં જેવાં વૃક્ષના છાંયે ખુલ્લામાં અભ્યાસ કરે છે, ત્યારે હવેનું તમામ દાન કર્મભૂમિ કેન્યાનાના કલ્યાણ માટે વાપરવાનો સંકલ્પ પરિવારે લીધો હતો. કાનજીભાઈ દ્વારા અગાઉ દવાખાનું, પ્રસૂતિગૃહ, શુદ્ધ પેયજળ ઉપલબ્ધ કરાવાયું છે જ્યારે કે સોલ્ટ કંપનીના જનસંપર્ક અધિકારી પુષ્પાબેન ખીમજી પિંડોરિયાએ કચ્છમિત્રને વિગત આપતાં કહ્યું કે,  વર્ષોથી સ્થાનીય મહિલાઓના કુદરતી જીવનચક્ર સાનુકૂળ સેનેટરી પેડનું અભિયાન ચલાવાયું હતું, જેમાં કે.કે. પટેલનું યોગદાન છે. સામત્રા કોમ્યુનિટી જૂથ દ્વારા અત્યાર સુધી 40 જેટલી નિશાળોનાં મકાન બાંધી અપાયાં છે. દર વર્ષે આ સંસ્થા ચાર સ્કૂલ નવી બાંધે છે. સામત્રામાં  ત્રણ કિ.મી. પાણીની કેનાલ, મેદાન, ગ્રીન સામત્રા, ક્લીન સામત્રા, ઘરઘર શુદ્ધ દૂધ માટે ગૌશાળા, કેરા-કુન્દનપર શિક્ષણ ટ્રસ્ટમાં સહયોગ તેમજ કચ્છમાં સસ્તી અને સેવાભાવથી સુપર સ્પે. આરોગ્ય સુવિધાની આશાથી કે.કે.પટેલ હોસ્પિટલનું નામકરણ દાન તેમના તરફથી છે. અમદાવાદ છારોડી ગુરુકુળમાં યોગદાન છે. આટઆટલી વિશાળ સેવાઓ બાદ હવે શેષ દાન માત્રને માત્ર કર્મભૂમિ કેન્યા માટે જ કરવાની લાગણી તેમણે કચ્છમિત્ર સમક્ષ વ્યકત કરી હતી. કર્મભૂમિમાં શિક્ષણ સેવા કરવા બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવદ્જીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, વહીવટી કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, છારોડી ગુરુકુળના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા, જ્યારે વડતાલ પીઠના સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. 

Panchang

dd