વોશિંગ્ટન / તેહરાન, તા.
26 : યુદ્ધવિરામની વાટાઘાટો અને
પ્રયાસો વચ્ચે અમેરિકાએ દક્ષિણ ઈરાનમાં હોર્મુઝની ખાડી પાસે મિસાઈલ લોન્ચના સ્થળો અને
સુરંગ બિછાવતી નૌકાઓ પર હુમલો કરતાં ફરી એકવાર મધ્યપૂર્વમાં તનાવ વધ્યો છે. બીજી તરફ
ઈરાને દાવો કર્યો છે કે, તેણે અમેરિકાનું એમક્યુ-9 બી ડ્રોન તોડી પાડયું છે અને ઈરાનના વિસ્તારમાં ઘૂસેલા એક યુદ્ધવિમાન
પર પણ ગોળીબાર કર્યો છે. આઈઆરજીસીએ ચેતવણી આપી છે કે, અમેરિકા યુદ્ધવિરામનું ઉલ્લંઘન
કરશે, તો ઈરાનને વળતા પ્રહારનો અધિકાર છે. અમેરિકાએ બકરી ઈદ પહેલાં જ ફરી એક વખત ઈરાન
પર હુમલો કરી નાખતાં ભડકેલા ઈરાનના સર્વોચ્ચ નેતા મોઝતબા ખોમેનીએ અમેરિકાને ફરીથી ખતરનાક
ચેતવણી આપી દીધી હતી. ઈરાનનું સર્વોચ્ચ પદ સંભાળ્યા પછીથી તેઓ ક્યારેય વીડિયો કે કેમેરા
સામે આવ્યા નથી. તેઓ માત્ર સરકારી ટેલિવિઝન મારફતે પોતાના નિવેદનો જાહેર કરી રહ્યા
છે. આ વખતે તેમણે સીધા અમેરિકા અને તેના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ધમકી આપી છે.
જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં તણાવ વધુ ભડકવાની આશંકા ઊભી થઈ છે. ખોમેનીએ પોતાની ટેલિગ્રામ ચેનલથી અમેરિકાને ધમકી
આપતાં કહ્યું હતું કે, ખાડી ક્ષેત્રની શક્તિઓ હવે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ માટે ઢાલનું
કામ નહીં કરે અને આ વિસ્તારમાં અમેરિકા માટે હવે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન નહીં રહે.
આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે તેહરાન અને વાશિંગ્ટન છેલ્લા ત્રણ મહિનાથી ચાલી
રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક રૂપરેખા પર ચર્ચા કરી રહ્યા છે. ઈરાનના 58 વર્ષીય નવા સુપ્રીમ લીડર
ખોમેની 8 માર્ચ પછી જાહેરમાં જોવા મળ્યા નથી અને
તેમના નિવેદનો મોટાભાગે લેખિત સ્વરૂપમાં જ બહાર આવ્યા છે. આ વખતે પણ તેમણે લખિત નિવેદન
જારી કર્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જારી કરાયેલાં એક નિવેદનમાં કહેવામાં
આવ્યું છે કે, આ હુમલાઓ સ્વ-બચાવમાં કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ ઈરાની દળો દ્વારા
ઊભા થયેલા જોખમોથી અમારા સૈનિકોને બચાવવાનો હતો. સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટિમ હોકિન્સે
જણાવ્યું હતું કે, યુએસ સેના ચાલુ યુદ્ધવિરામ દરમિયાન સંયમ રાખીને તેના દળોનું રક્ષણ
કરવાનું ચાલુ રાખે છે. આ હુમલાઓ એવા સમયે થાય છે, જ્યારે બંને પક્ષ સમાધાન માટે વાટાઘાટોમાં
પ્રગતિમાં દાવો કરી રહ્યા છે, તેથી યુદ્ધ ફરી શરૂ થવાની ભીતિ વધી છે. ઈરાન ઈન્ટરનેશનલના
અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાનના લારાક ટાપુ પર હુમલો કર્યો છે. ઈરાની મીડિયા આઉટલેટ એસએનએન
અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ નજીક દક્ષિણ લારાક ટાપુ પર અમેરિકા-ઈઝરાયલી હુમલામાં કેટલાક
લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જે પૈકી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે.