• બુધવાર, 27 મે, 2026

ચોમાસું વહેલું નહીં, નિયત સમયે પ્રવેશની આશા

નવી દિલ્હી, તા. 26 : નૈઋત્ય ચોમાસુ 26 મેના ભારતમાં પ્રવેશ કરશે તેવી આગાહી સાચી ઠરી નથી. ચોમાસું વહેલું થવાની શક્યતા ઓસરી ગઈ છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ચોમાસુ કેરળમાં પોતાના નિયત સમય પ્રમાણે જ આવશે. જોકે, કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ તે મોન્સૂનના માપદંડો મુજબનો નથી. તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ચોમાસા અંગેનાં વૃતાંતમાં હવામાન વિભાગ(આઈએમડી) એ જણાવ્યું હતું કે, આગામી બેથી ત્રણ દિવસમાં મોન્સૂન દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તેમજ અંદામાન સમુદ્રના બાકી વિસ્તારોમાં આગળ વધી શકે છે. તેના માટે પરિસ્થિતિ અનુકૂળ છે. તેથી સ્પષ્ટ છે કે ચોમાસું આગામી બે-ત્રણ દિવસમાં કેરળ સુધી નહીં પહોંચે.  સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું કેરળમાં પ્રવેશ કરે છે. જો કે આઈએમડી સહિત અનેક હવામાન એજન્સીઓએ દાવો કર્યો હતો કે આ વખતે ચોમાસું સમય પહેલાં ભારતમાં આવી શકે છે. હવે ચોમાસુ સમયસર જ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેરળ અને માહેના કેટલાક વિસ્તારોમાં 11 થી 20 સેન્ટીમીટર સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકાળ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં 7થી 11 સેન્ટીમીટર વરસાદ થયો છે. છેલ્લા 10 દિવસથી ઉત્તર ભારત, મધ્ય ભારત અને કેટલાક અન્ય વિસ્તારોના શહેરોમાં ભારે ગરમી પડી રહી છે.  

Panchang

dd