• બુધવાર, 27 મે, 2026

કાશ્મીર મુદ્દે કાંકરીચાળો : ચીનનો નાપાક પ્રયાસ

નવી દિલ્હી, તા.26 : નવા દલાઈ લામાની પસંદગી મુદ્દે ભારતને કોઈપણ હસ્તક્ષેપ નહીં કરવાની ગર્ભિત ચેતવણી આપ્યાના બીજા જ દિવસે ચીને ફરીથી ભારતનો કાકરીચાળો કરીને હદ વટાવી છે. ચીને પાકિસ્તાન સાથે સંયુક્ત નિવેદન જાહેર કરીને જમ્મુ-કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાની ગુસ્તાખી કરી છે. સ્પષ્ટ છે કે આ નિવેદન સીધું ભારતની સંપ્રભુતા સાથે જોડાયેલું છે અને ચીન ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર હાલમાં ચીનની મુલાકાતે પહોંચેલા અને ત્યારબાદ જ ચીન તરફથી આ નિવેદન આવ્યું છે. શહબાઝ શરીફની બાજિંગ મુલાકાત દરમિયાન જાહેર થયેલાં સંયુક્ત નિવેદનમાં ચીને ફરી પાકિસ્તાનના સૂરમાં સૂર મિલાવતા કાશ્મીર મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો મુજબ લાવવાની વાત કરી છે. બાજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં થયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ ચીન અને પાકિસ્તાને સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. તેમાં બન્ને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને સુરક્ષા પરિષદના જૂના ઠરાવોના આધારે કાશ્મીર વિવાદના શાંતિપૂર્ણ ઉકેલની હિમાયત  કરી છે. આ સંયુક્ત નિવેદનમાં માત્ર કાશ્મીર જ નહીં, પરંતુ અન્ય અનેક મુદ્દાઓ દ્વારા પણ ભારતને સીધું ઉશ્કેરવા અને છંછેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર એટલે કે સીપીઇસીનો પણ ઉલ્લેખ છે. સીપીઈસીનો મુખ્ય માર્ગ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે, જેને ભારત પોતાનો અભિન્ન ભાગ માને છે. આ પ્રોજેક્ટ હેઠળ ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદરને પણ વિકસાવી રહ્યું છે. જેનાં કારણે ચીનને હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં સીધી અને કાયમી પહોંચ મળી શકે છે, જે ભારતની સુરક્ષા માટે સીધો ખતરો માનવામાં આવે છે. આ પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. જેમાં જિનાપિંગે ચીન અને પાકિસ્તાન વચ્ચેની અતૂટ મિત્રતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાને મધ્યસ્થતાની જે ભૂમિકા ભજવી છે તે પ્રશંસનીય છે.  ચીન અને પાકિસ્તાનના આવા પેંતરાઓને ભારત અગાઉ પણ મજબૂત જવાબ આપી ચૂક્યું છે. ભારતે બન્ને દેશને સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. ભારતીય ગુપ્તચર સૂત્રો મુજબ ચીન હવે જૂના યુનો ઠરાવોના આધારે 2019માં કલમ 370 દૂર થયા પછીની વાસ્તવિક પરિસ્થિતિને જાણબૂઝીને અવગણી રહ્યું છે.  

Panchang

dd