ચેન્નાઇ તા.1 : શનિવારે રાત્રે રમાનાર મેચમાં ફરી એકવાર બે જૂના પરંપરાગત હરીફ
મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને હશે. પાછલી કેટલીક સીઝનથી બન્ને
ટીમ નિસ્તેજ પ્રદર્શન કરી રહી છે. આથી એમઆઇ-સીએસકેનો મુકાબલો પહેલાની જેમ અલ-કલાસિકો
કહેવો અતિશયોક્તિ ગણાશે. આ વખતે સીએસકેના ગઢ ચેપોકમાં એમઆઈ સામે વિજયનો પડકાર રહેશે.
સીઝનના બન્ને વચ્ચેના પહેલા મુકાબલમાં વાનખેડે સ્ટેડિયમમાં સીએસકે ટીમે બાજી મારી હતી.
હવે મુંબઇ માટે પ્લેઓફની આશા જીવંત રાખવા શનિવારની મેચ કરો યા મરો સમાન છે. વધુ એક
હારથી હાર્દિકની ટીમ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઇ જશે. મુંબઇના ખાતામાં 8 મેચમાં ફકત 2 જીતથી 4 અંક છે. સીએસકેની સ્થિતિ પણ નાજુક છે. તે 8 મેચમાં 3 જીત સાથે પોઇન્ટ ટેબલ પર 6 નંબર પર છે. મુંબઇ ઇન્ડિયન્સનો પાછલી મેચમાં 243 રનનો સ્કોર કરવા છતાં સનરાઇઝર્સ
હૈદરાબાદ સામે પરાજય થયો હતો. આ હારથી હાર્દિક પંડયાની ટીમનું મનોબળ નીચે આવી ગયુ ંછે.
જયારે સીએસકે તેના પાછલા મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 8 વિકેટે હારી હતી. આઇપીએલ સીઝન અરધી પૂરી થઇ ગઇ છે. પરંતુ પાંચ-પાંચ
વખતની પૂર્વ ચેમ્પિયન આ બન્ને ટીમ હજુ સુધી સંતુલિત ઇલેવન બનાવી શકી નથી. બન્ને ટીમના
મોટાભાગના બોલર્સ-બેટર્સ આઉટ ઓફ ફોર્મ છે. મુંબઇને બુમરાહ, સૂર્યકુમાર, કપ્તાન હાર્દિક
અને બોલ્ટના નબળા દેખાવથી ભારે નુકસાન થઇ રહ્યું છે. રોહિત શર્માની ઇજાની અસર પૂરી
ટીમ પર પડી છે.આ સામે સીએસકે માટે સારી વાત એ છે કે સંજૂ સેમસન સારા ફોર્મ પણ છે,
પણ કપ્તાન ઋતુરાજ ગાયકવાડ,
શિવમ દૂબે, સરફરાઝ ખાન અને ડેવાલ્ડ બ્રાવિસના
બેટમાંથી મોટી ઈનિંગ નીકળતી નથી. અંશુલ કમ્બોજ સિવાય સીએસકેના બોલર્સ સંઘર્ષ કરી રહ્યા
છે.