ભુજ, તા. 1 : સોશિયલ મીડિયામાં ખોટી આઈડી
બનાવી સસ્તાં સોનાની લાલચ આપી ઠગાઈ આચરવાના કચ્છમાં વધી રહેલા બનાવો વચ્ચે વધુ એક મામલો
પ્રકાશમાં આવ્યો છે, જેમાં મૂળ
આંધ્રપ્રદેશના ફરિયાદીને સસ્તું સોનું આપવાની લાલચ આપી રૂા. 4 લાખ પડાવી લીધા હતા. આ બાબતે ત્રણ આરોપી વિરુદ્ધ ભુજ શહેર બી-ડિવિઝન
પોલીસ મથકના ચોપડે ફરિયાદી નોંધાઈ હતી. પોલીસે
આપેલી વિગતો મુજબ, ફરિયાદી બાલા
અચુતકુમાર વેંકટરમણ (રહે. આંધ્રપ્રદેશ) નામના વેપારીએ લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું
કે, ઈન્સ્ટાગ્રામમાં પ્રેમજી પટેલ નામની આઈડીમાં સસ્તા સોનાની
એડ જોઈ હતી, જે પછી મેસેજ મારફતે સંપર્ક કર્યો હતો. બાદમાં પ્રેમ
નામના આરોપીએ તેમને વ્હોટસએપ કોલ કરવા જણાવ્યું હતું. થોડા દિવસ પછી 10 ટકા ડિસ્કાઉન્ટ પર સોનાના બિસ્કિટ
લેવા માટે ફરિયાદી ભુજ આવતાં આરોપી તેમને એક મકાનમાં લઈ ગયો હતો અને થોડા સમય બાદ સુનીલ
નામનો શખ્સ ત્યાં આવ્યો હતો, જ્યારે
અન્ય એક શખ્સ જેણે પોતાની ઓળખ `મોટા સાહેબ' તરીકે આપી હતી. આરોપીઓએ ફરિયાદીને સોનાનાં બિસ્કિટ બતાવ્યા હતા અને રોકડા રૂપિયા
આપવા જણાવ્યું હતું, તે પછી ફરિયાદીએ 1.40 લાખ આપ્યા હતા અને 2.60 લાખ ઓનલાઈન આપ્યા હતા. તે પછી
સોનાના બિસ્કિટ મગાવ્યા છે, તે આવી જાય
ત્યાં સુધી હોટેલમાં રોકાવાનું કહ્યું હતું. ત્યારબાદ આરોપીઓને ફોન કરતાં તેમણે ફોન
ઊંચક્યો નહોતો. તેથી પોતે છેતરાયા હોવાનું માલૂમ પડયું હતું. આ મામલે એલસીબીનો સંપર્ક
કરતાં પોલીસે બતાવેલા ફોટો પૈકી મોટા સાહેબ તરીકે ઓળખ આપનારો આરોપી ફીરયાદીએ ઓળખી બતાવ્યો
હતો, જેનું ખરું નામ સિકંદર જુસબ સોઢા હોવાનું પોલીસે જણાવ્યું
હતું. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.