ભુજ, તા. 1 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણી પૂર્ણ થઈ ને મહાનગરપપાલિકા, જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકા
તમામ સંસ્થાઓમાં ભારતીય જનતા પક્ષને બહુમતી મળી છે, ત્યારે પ્રમુખ અને બીજા હોદ્દાઓ માટે પસંદગીનો કળશ કોના
પર ઢોળાશે એની ચર્ચા શરૂ થઈ છે. આ માટે પક્ષની જિલ્લા સમિતિ દ્વારા સેન્સ લેવાઈ ગયા
બાદ ત્રણ નામની પેનલ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. બાદમાં પ્રદેશ કક્ષાએથી અંતિમ મહોર
મારવામાં આવશે. દરમ્યાન તાલુકા, જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકાઓ
અને ગાંધીધામ મહાનગરપાલિકામાં નવા પ્રમુખ કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. દાવેદારોના
સમર્થકો પોતાની પસંદગીની વ્યક્તિઓ માટે સોશિયલ મીડિયામાં મારો પણ ચલાવવાનું શરૂ કર્યું
છે. આ વિશે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે
કહ્યું કે, જિલ્લા પંચાયતના પ્રમુખપદનું રોટેશન તો આદિજાતિ મહિલા
માટે અનામત હોવાથી પ્રમુખ ભીમાસર (ચ.)માંથી ચૂંટાયેલા મહિલા સભ્ય બનશે એ નિશ્ચિત છે.
બીજા પ્રમુખપદો માટે કેવી રીતે નિર્ણય લેવાશે આ બાબતે શ્રી વરચંદે જણાવ્યું કે,
ચોથી મેના પ્રદેશ કક્ષાએથી પક્ષના નિરીક્ષકો આવશે અને તેમની સમક્ષ પ્રમુખ,
ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સાશક પક્ષના નેતા અને દંડક માટે દાવા રજૂ કરી શકાશે. નિરીક્ષકો દાવેદારોને
સાંભળશે ઉપરાંત પક્ષના જિલ્લાના આગેવાનો, ધારાસભ્યો, સાંસદ વિગેરે સાથે પણ ચર્ચા કરશે. બાદ જિલ્લા સંકલન સમિતિ દ્વારા તમામનાં અલગ-અલગ
ત્રણ નામની પેનલ બનાવવામં આવશે. પેનલ બન્યા પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં
આવશે અને પ્રદેશમાંથી અંતિમ નામ પર મહોર મારવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. કચ્છની
નવ તાલુકા પંચાયતમાંથી અબડાસા અને અંજારમાં પ્રમુખપદનું રોટેશન સામાન્ય છે,
નખત્રાણા, રાપર બક્ષીપંચ, લખપત અનુ. જાતિ, જ્યારે ભુજ, ભચાઉ
અને માંડવી-મુંદરાનું પદ સામાન્ય મહિલા માટે છે. ગાંધીધામ મહાનગરપાલિકાની વાત કરીએ
તો સામાન્ય મહિલા, જ્યારે પાંચેય નગરપાલિકાના પ્રમુખપદનું રોટેશન
છેલ્લે 2024માં જાહેર કરાયું છે એ મુજબ
અંજાર ઓબીસી, ભુજ સામાન્ય, માંડવી સામાન્ય મહિલા, મુંદરા-ઓબીસી, નખત્રાણા અનુ. જાતિને ફાળવવામાં આવ્યું છે.