જયપુર, તા. 1 : હારની હેટ્રિક બાદ દિલ્હી કેપિટલ્સે
શુક્રવારે કે. એલ. રાહુલ (75) અને પથુમ
નિશંકા (62)ની અર્ધસદીઓની મદદથી જીતનો
સ્વાદ ચાખ્યો હતો. રાજસ્થાન રોયલ્સે આપેલું 226 રનનું લક્ષ્ય માત્ર ત્રણ વિકેટે આંબી લેતાં દિલ્હીએ સાત વિકેટે
વિજય મેળવ્યો હતો.દિલ્હીના દાવનો મજબૂત પાયો નાખતાં પથુમ અને રાહુલે પહેલી વિકેટ માટે
110 રનની ભવ્ય ભાગીદારી કરી હતી.
માત્ર 33 દડામાં 62 રન કરનાર નિશંકાએ છ ચોગ્ગા, ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, તો છ ચોગ્ગા, પાંચ છગ્ગા મારી દેતાં રાહુલે 40 દડામાં 75 રન ફટકારી દીધા હતા. નીતીશ
રાણાએ 17 દડામાં ત્રણ ચોગ્ગા, બે છગ્ગા સાથે 33 રનનો ફાળો આપ્યો હતો, તો ટ્રિસ્ટન સ્ટબ્સે 11 દડામાં 18 અને આશુતોષ શર્માએ 15 દડામાં ચાર ચોગ્ગા સાથે 25 રનનો ઉપયોગી ઉમેરો રમતના અંતિમ
ચરણમાં કર્યો હતો. અગાઉ રિયાન પરાગની 90 રનની કેપ્ટન ઇનિંગ પછી ડેથ ઓવર્સમાં ડેનોવાન ફરેરાના 6 છગ્ગા સાથે વિસ્ફોટક 47 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે
6 વિકેટે 22પ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પરાગે પ0 દડામાં 8 ચોગ્ગા અને પ છગ્ગા સાથે 90 રનની આક્રમક ઇનિંગ રમી સિઝનમાં પહેલીવાર ફોર્મ ઝળકાવ્યું હતું, જ્યારે આરઆર માટે સરપ્રાઇઝ પેકેજ બની ગયેલા
આફ્રિકી ઓલરાઉન્ડર ફરેરાએ ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ કરીને ફકત 14 દડામાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે અણનમ 47 રન કરી દિલ્હી કેપિટલ્સને ભીંસમાં
લાવી દીધું હતું. ફરેરાની આતશબાજીથી આરઆરના સ્કોરમાં છેલ્લી 3 ઓવરમાં પ4 રનનો ઉમેરો થયો હતો. રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી. યશસ્વી જયસ્વાલ
6 અને વન્ડરબોય વૈભવ સૂર્યવંશી 4 રને આઉટ થયા હતા. 12 રનમાં 2 વિકેટ પડી ગયા પછી ધ્રુવ જુરેલ અને કેપ્ટન
રિયાન પરાગ વચ્ચે ત્રીજી વિકેટમાં પ9 દડામાં 102 રનની ઝડપી
ભાગીદારી થઇ હતી. જુરેલ 30 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગા સાથે 42 રને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ 20 રનનું યોગદાન આપ્યું હતું.
દિલ્હી તરફથી સિઝનની પ્રથમ મેચ રમી રહેલ ઓસ્ટ્રેલિયન સ્ટાર મિચેલ સ્ટાર્કે 40 રનમાં 3 વિકેટ લીધી હતી. જેમિસન, અક્ષર અને નટરાજનને 1-1 વિકેટ મળી હતી.