• શનિવાર, 02 મે, 2026

ભોરારા-સમાઘોઘામાં ભક્તિ, સંસ્કૃતિ, જીવદયાનો મહાસંગમ

મહેશ પી. મહેતા દ્વારા : મુંદરા, તા. 1 : તાલુકાના ભોરારા અને સમાઘોઘા પંથકમાં આગામી દિવસોમાં ભક્તિ, સંસ્કૃતિ અને જીવદયાનો ત્રિવેણીસંગમ સર્જાવા જઈ રહ્યો છે. છ કોટિ અજરામર સંપ્રદાયના  આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામી (થાણા-5) તથા તરુલતાજી મહાસતીજી (થાણા-3) પોતાના માદરેવતન આવી રહ્યા છે, જેને લઈને પંથકમાં આનંદ અને ઉમંગનો માહોલ છવાઈ ગયો હતો. - ભોરારા : સંતો અને સંસ્કારની પવિત્ર ભૂમિ : મુંદરાનું નાનકડું ભોરારા ગામ અજરામર સંપ્રદાયમાં રત્નોની ખાણ તરીકે ઓળખાય છે. અહીંથી અત્યાર સુધીમાં 12 સંત તથા 16 સતીજી થયા છે અને વિશેષતા એ છે કે, તમામ સંતો દેઢિયા ગોત્રના રહ્યા છે. લગભગ 152 વર્ષ પૂર્વે લાધાજી સ્વામી ભોરારાના પ્રથમ સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા. ત્યારબાદ આગમ વિશારદ આચાર્ય ગુલાબચંદ્રજી સ્વામી, તેમના લઘુબંધુ વીરજી સ્વામી તથા તેમના પટશિષ્ય ભારત રત્ન સતાવધાની રત્નચંદ્રજી સ્વામી જેવા વિદ્વાનો આ ભૂમિએ આપ્યા છે. રત્નચંદ્રજી સ્વામી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે `અર્ધમાગધી કોષ' ભાગ 1થી 5 કુલ પાંચ ભાષામાં પ્રકાશિત કર્યા હતા. સ્થાનકવાસી જૈન સંતોમાં પ્રથમ સાહિત્યકાર તરીકેનું શ્રેય તેઓને જાય છે. તેઓ એક સાથે 100-100 અવધાનના પ્રયોગો કરી શકતા હતા. `ભાવના સતક' અને `કર્તવ્ય કૌમુદી' જેવી કૃતિઓનું સર્જન તેમજ અજરામરજી સ્વામીનું જીવનચરિત્ર પ્રથમ વખત પ્રકાશિત કરવાનું શ્રેય પણ તેમને જાય છે. તેમની પરંપરામાં પંડિત તપસ્વી ડુંગરાસિંહજી સ્વામી અને ઉમેદચંદજી સ્વામી જેવા સાધુઓ થયા છે. વર્તમાન સમયમાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામી, આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામી, ચિંતનચંદ્રજી સ્વામી અને શાંતિચંદ્રજી સ્વામી જેવા સંતો આ પરંપરાને ઉજ્જવળ બનાવી રહ્યા છે. - પાંજરાપોળનું નામકરણ : જીવદયાનું મહાસોપાન  : આચાર્યની પ્રેરણાથી ભોરારામાં 26 એકર ગૌચર જમીનમાં નૂતન પાંજરાપોળની શરૂઆત તા. 11 મે તેમની 49મી દીક્ષા જયંતીના અવસરે થવા જઈ રહી છે. આ પાંજરાપોળ અબોલ જીવો માટે આશ્રયસ્થાન બની જીવદયાના કાર્યમાં એક મહત્ત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.  - જીવદયા માટે ભવ્ય લોકડાયરો : આ અવસરને ઉજાગર કરવા તા. 11 મેના રાત્રે નવ વાગ્યે ભોરારા ખાતે લોકડાયરો યોજાશે, જેમાં ગાયિકા ગીતા રબારી પોતાની કળા દ્વારા જીવદયાનો સંદેશ ફેલાવશે. આ કાર્યક્રમની આવક અબોલ જીવોની સેવા અને ગૌ-સેવા માટે સમર્પિત કરાશે. - સમાઘોઘામાં ચાતુર્માસ : સમરસતાનું ઉદાહરણ : યોગાનુયોગ આ વર્ષના ચાતુર્માસ આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામી આદિ થાણા-પાંચનું સમાઘોઘા (તા. મુંદરા) ખાતે યોજાનારું છે. ત્રણ વર્ષ પૂર્વે પણ અહીં ચાતુર્માસ યોજાયું હતું. ગામના દરેક સમાજના લોકો આચાર્યને `ગામગુરુ'તરીકે માને છે. સર્વ સમાજની વિનંતીને માન આપી માત્ર ત્રણ વર્ષમાં બીજી વખત સમાઘોઘામાં ચાતુર્માસ થવા એ ધાર્મિક સમરસતાનું પ્રતીક છે. - સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંસ્કાર શિબિર : આ અવસર પર તા. 16 અને 17/5ના `ખટમીઠી લાગણીયું' નામનું  કચ્છી નાટક સમાઘોઘા અને ભોરારામાં ભજવાશે તેમજ તા. 1/6થી 21/6 દરમ્યાન જૂનથી 21 જૂન દરમિયાન પ્રાગપુર ખાતે ત્રિદિવસીય યુવા સંસ્કાર શિબિર યોજાશે, જે યુવાનોમાં સંસ્કાર અને નૈતિકતા વધારશે. છસરા, પત્રી, વાંકી, પ્રતાપપુરમાં વિચરણ, 49મી દીક્ષા જયંતી અને ચાતુર્માસ સ્વાગત સમારોહ (સમાઘોઘા), ભોરારા પાંજરાપોળ નામકરણ અને લોકડાયરા, સમાઘોઘા શેષકાળ સહિતના કાર્યક્રમો યોજાશે. ભોરારા અને સમાઘોઘા પંથકમાં યોજાનારો મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સંસ્કૃતિ, સેવા અને માનવતાનું જીવંત ઉત્સવ બની રહેશે તેવું યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd