• મંગળવાર, 17 નવેમ્બર, 2026

અંજારમાં ભક્તિભાવપૂર્વક જલારામ જયંતીની ઉજવણી

શોભાયાત્રા, ગંગાપૂજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સાથે વાતાવરણ ભક્તિમય બન્યું

અંજાર, તા. 16 : સંત શિરોમણિ જલારામ બાપાની 227મી જન્મજયંતીની જલારામ જન્મજયંતી ઉત્સવ સમિતિ દ્વારા સમસ્ત લોહાણા જ્ઞાતિજનોના સહયોગથી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, સેવા, સમર્પણ અને સામાજિક એકતાનો સમન્વય જોવા મળ્યો હતો. આ ઉજવણીના મુખ્ય યજમાન તથા મહાપ્રસાદના દાતા તરીકે નવીનભાઈ નરભેરામભાઈ પૂજારા પરિવાર રહ્યા હતા. આ પ્રસંગે તેમના પરિવાર તરફથી વિકાસભાઈ અને પીયૂષભાઈ પૂજારા પરિવારે યજમાન પરિવારનું પ્રતિનિધિત્વ કરી ઉત્સવની ધાર્મિક પરંપરામાં સહભાગી બન્યા હતા. જલારામ બાપાની પૂજા ચિઠ્ઠીના ભાગ્યશાળી તરીકે ગિરધરલાલ માધવજીભાઈ ભીંડે પરિવારનું નામ ખૂલતાં પરિવારના હસ્તે રશ્મિનભાઈ પરિવારે પૂજાની વિધિમાં સહભાગી બન્યા હતા. જન્મજયંતી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર વિવિધ સ્થળોએ રિફ્રેશમેન્ટ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા સેવાભાવી પરિવારો અને કાર્યકરોએ યાત્રામાં જોડાયેલા સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. ગંગાસાગર ખાતે જલારામ બાપાની પ્રતિમાને ડ્રોનની મદદથી પુષ્પાહાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડ્રોન દ્વારા થયેલી પુષ્પવૃષ્ટિથી સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસથી ગૂંજી ઊઠયું હતું. ઉત્સવની ઉજવણીમાં યુવક મંડળ, યુવતી મંડળ અને મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસ્તુતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કળશધારી કન્યાઓની ઉપસ્થિતિ તેમજ બાળકો દ્વારા જલારામ બાપા અને વીરબાઈ માના વેશમાં કરવામાં આવેલી રજૂઆતોએ નવી પેઢીમાં સંસ્કાર, ભક્તિ અને સેવાભાવના સંદેશને સુંદર રીતે ઉજાગર કર્યો હતો. આ પ્રસંગે આયોજિત સામૂહિક મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. દાતા પરિવારનું સન્માન કરાયું હતું. અંજાર લોહાણા મહાજનના  પિન્ટુભાઈ ચંદે, વીરેન્દ્રભાઈ કોડરાણી, વૈભવભાઈ કોડરાણી, વિરલભાઈ ઠક્કર, મુકેશભાઈ ભીંડે, વસંતભાઈ કોડરાણી, સંજયભાઈ દાવડા, હાર્દિકભાઈ પલણ, યોગેશભાઈ ભીંડે, નરેન્દ્રભાઈ પલણ, મહિલા મંડળના રૂપલબેન ભીંડે, યુવતી મંડળના કૃપાલીબેન પલણ, યુવક મંડળના આકાશભાઈ કોડરાણી, જલારામ સત્સંગ મંડળના મહેશભાઈ દાવડા, પ્રવીણભાઈ રાણા, કનૈયાલાલ મજેઠિયા જોડાયા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. અંજાર નગર સેવા સદનના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અંજાર શહેર ભાજપના અધ્યક્ષ  હિતેનભાઈ વ્યાસ તથા રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે હરેશભાઇ દક્ષિણી, દિલીપભાઈ પલણ, પ્રવીણભાઈ વોરાણી, પિન્ટુભાઇ કોટેચા સહિતના મહાજનના ટ્રસ્ટીઓ તથા મહાજન સંલગ્ન વિવિધ મંડળોના હોદ્દેદારો અને સભ્યો, સ્વયંસેવકો, કલાકારો, સેવાભાવી પરિવારો તથા સમગ્ર જ્ઞાતિજનોનો  સહયોગી બન્યા હતા. સંચલાન મહેશભાઈ ચંદેએ કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd