• મંગળવાર, 17 નવેમ્બર, 2026

લાખોનો ખર્ચ છતાં ભુજ સફાઈમાં ન ઠર્યું... !

લોકો ફરિયાદો કરે તો સફાઈ થાય, નહીં તો કચરાના ગંજ ખડકાયેલા રહે તમામ ખર્ચ મળી મહિને 80થી 90 લાખનું આંધણ છેવાડાની સાથે પોશ વિસ્તાર પણ ગંદકીથી ખદબદે છે

કૌશલ પાંધી દ્વારા

ભુજ, તા. 16 : વર્ષોથી ભુજ નગરપાલિકા દ્વારા સફાઈનો કોન્ટ્રાક્ટ અપાય છે. મહિને લાખો રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવાય છે, પરંતુ શહેરમાં એક પણ સ્થળે આંખ ઠારતી સફાઈ થતી ન હોવાની ફરિયાદો ઊઠી છે. અમુક સ્થળોએ તો સફાઈની ટીમ પહોંચતી જ નથી, તો મોટા ભાગના વિસ્તારો નિયમિત સફાઈના અભાવે ગંદકીથી ખબદબતા રહે છે.

તાજેતરમાં દિવાળી અને નૂતન વર્ષનો આનંદ સફાઈના અભાવે ફેલાયેલી ગંદકી વચ્ચે પસાર થતાં જાગૃત નાગરિકોમાં સુધરાઈના શાસકો જે-તે વિસ્તારના નગરસેવકો અને વોર્ડર સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે. જો કે, આ વર્ષે જ આવું થયું એવું નથી, છેલ્લાં કેટલાંય વર્ષોથી ભુજમાં સફાઈનો અભાવ ઊડીને આંખે વળગી રહ્યો હોવાનું જાગૃત નાગરિકો કહી રહ્યા છે.

નગરપાલિકા દ્વારા અપાયેલા કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો, વાહનો ઉપરાંત સુધરાઈના સફાઈકર્મીઓ અને કચેરીનાં વાહનો મળી શહેરની સફાઈ માટે મહિને 80થી 90 લાખનો ખર્ચ પહેંચી જાય છે, તેમ છતાં પોણું ભુજ શહેર ગંદકીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે.

સુધરાઈ દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે, ઘરનો કચરો બહાર ન ફેંકો અને ડોર ટુ ડોર આવતાં વાહનમાં નાખો. આ અપીલનો જાગૃત નાગરિકો અમલ પણ કરે છે, પરંતુ ત્રણ-ચાર દિવસ ડોર ટુ ડોર કચરો લેવા ન આવતાં લોકો ગંદકી કેટલા દિવસ ઘરમાં રાખી શકે તેવો સવાલ પણ જાગૃતો ઉઠાવી રહ્યા છે. વાહન ન આવતાં અંતે ઊકરડા કે પાટલીમાં કચરો નાખે છે, પરંતુ કરમની કઠણાઈ એ છે કે, ઊકરડો કે પાટલી પણ નિયમિત સાફ ન થતાં ગંદકીથી ઊભરાતા રહે છે.

ભુજમાં માતૃછાયા રોડ, સંતોષ સોસાયટી, ટેક્સી ગલી, છઠ્ઠીબારી રિંગરોડ, જેષ્ઠાનગર, રામકૃષ્ણ કોલોની, જનતાનગરી, ઘાસવાળી વંડી પાસે, ઘનશ્યામનગર, જનતાઘર પાસે, વાણિયાવાડ ઉપરાંત દાદુપીર રોડ, ભીડ, ન્યૂ સ્ટેશન રોડ સહિતના ભુજના અનેક વિસ્તારોમાં ગંદકીથી લોકો ત્રસ્ત બન્યા છે.મહિને ભુજ શહેરની સફાઈ પાછળ થતા ખર્ચની વાત કરીએ તો સૂત્રોના જણાવયા મુજબ અંદાજિત 63 લાખ આસપાસનો સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ઉપરાંત 6થી 7 લાખની ગ્રાન્ટનો ઉપયોગ તેમજ નગરપાલિકા કર્મીઓ અને સફાઈ માટે વપરાતાં વાહનોનો ખર્ચ મળીને અંદાજે 80થી 90 લાખ મહિને ખર્ચ થાય છે !

ભુજના 11 વોર્ડમાં સફાઈ કરતા કર્મીઓ અને વાહનોની સંખ્યા

*          કોન્ટ્રાક્ટર હસ્તક

            - 160 સફાઈ કામદાર

            - 53 ડોર ટુ ડોર માટે છકડા

            - 18 ટ્રેક્ટર

*          નગરપાલિક હસ્તક

            - 15થી 20 સફાઈ કામદાર

            - 4 ટ્રેક્ટર

*          મુખ્ય માર્ગોની સફાઈ માટે

            - 30થી 35 સફાઈ કામદાર

            - 1 ટ્રેક્ટર

Ram Katha

Vyapar Utsav

Panchang

dd