• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ગાંધીધામ કોર્પોરેશન દ્વારા વાહનવેરો દાખલ કરવાનો નિર્ણય સ્થગિત

70થી વધુ વાંધા આવ્યા, સ્વભંડોળની આવક વધારવા અન્ય વિકલ્પ શોધવા જરૂરી

ગાંધીધામ, તા. 16 :  ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જુલાઈ મહિનામાં વાહનવેરો દાખલ કરવા માટે જાહેરનામું બહાર પડાયું હતું અને વાંધાઓ મગાવવામાં આવ્યા હતા. શહેરની અગ્રણી સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો અને કાયદાના નિષ્ણાતોએ મહાનગરપાલિકામાં વાંધાઓ રજૂ કરીને વાહનવેરા સામે સવાલો પણ ઉઠાવ્યા હતા, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા વાહનવેરો દાખલ કરવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જુલાઈ મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં દ્વિચક્રીય વાહન ઉપર 1000થી લઈને 3000 સુધીનો વેરો તથા ફોર વ્હીલરમાં 5000થી લઈને 25,000 સુધીનો વેરો દાખલ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ માટે 30 દિવસમાં વાંધાઓ પણ મગાવવામાં આવ્યા હતા. સમયમર્યાદા વીતી ગઈ અને એક મહિના દરમિયાન શહેરની અલગ-અલગ સંસ્થાઓ તથા અગ્રણીઓ અને કાયદાના નિષ્ણાતોએ 70થી વધુ વાંધા રજૂ કર્યા છે. માળખાગત સુવિધાઓના અભાવ વચ્ચે વાહનવેરો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવતાં અનેક સવાલો ઊઠયા હતા. ઉપરાંત જે રીતે અલગ-અલગ વાહનોમાં વેરો દાખલ કરવા માટેની રકમ નક્કી કરાઈ હતી, તેમાં પણ વિસંગતતા હોવાના પણ આક્ષેપો થયા હતા. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા વાહનવેરો દાખલ કરવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠનો સંપર્ક સાધતાં તેમણે વાતને સમર્થન આપીને જણાવ્યું હતું કે, વાંધા આવ્યા છે અને હાલના સમયે આ નિર્ણય સ્થગિત રાખવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા સ્વભંડોળની આવકમાં વધારો થાય એટલા માટે વાહનવેરો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય હાલના સમયે સ્થગિત કરવામાં આવ્યો છે, એટલે હવે સ્વભંડોળની આવક વધારવા માટે અન્ય વિકલ્પો શોધવા જરૂરી બન્યા છે. હાલે આવકના ખૂબ મર્યાદિત સ્ત્રોત છે, તેનાથી કચેરીનો વહીવટ તેમજ ભંડોળમાંથી અન્ય કોઈ કામો થઈ શકે તેવી સ્થિતિ નથી, જેના કારણે સમયસર કર્મચારીઓના પગાર થતા નથી, ઉપરાંત સફાઈ તથા ડ્રેનેજ સફાઈ સહિતના કામો સ્વભંડોળમાંથી થાય છે તેને નિયમિત રૂપિયાની ચૂકવણી થઈ શકતી નથી.  વારંવાર હડતાળની માથાકૂટ સામે આવે છે. તિજોરી તળિયાઝાટક હોવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ સમસ્યાનું કાયમી સમાધાન શોધવું જરૂરી છે અને તેના માટે નવા આવકના સ્ત્રોત ઊભા કરવા અતિ આવશ્યક હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd