ભુજ, તા. 2 : શહેરીજનોમાં દિવાળી પર્વ ઊજવવાનો
આગોતરો આનંદ વર્તાઇ રહ્યો છે અને ભુજની બજારોમાં ગ્રાહકો ઊમટવાનું શરૂ થઇ ગયું છે.
જો કે, સ્થાનિક બજારોમાં ફોર વ્હીલરના પ્રવેશને પગલે
ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હોવાની ગ્રાહકોમાં ઊઠેલી વ્યાપક ફરિયાદોને
પગલે દિવાળી પર્વને ધ્યાનમાં લઇ ધારાસભ્ય કેશુભાઇ પટેલ દ્વારા ટ્રાફિકની સમસ્યાથી લોકોને
છુટકારો મળે તે માટે વિવિધ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજી ત્રણથી ચાર સ્થળે કાર પાર્કિંગની
વ્યવસ્થા ગોઠવી હતી, જેનો અમલ આવતીકાલે એટલે કે તા. 3/11થી કરવામાં આવશે. કચ્છના મુખ્યમથક
ભુજની વાણિયાવાડ બજાર, છઠ્ઠીબારી-અનમ
રિંગરોડ, જૂની શાકમાર્કેટ, ડાંડા બજાર સહિતના
સ્થળોએ દિવાળી પર્વની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઊમટવાનું શરૂ થઇ ગયું છે. બૃહદ
કચ્છ તેમજ દેશ-વિદેશથી પણ લોકો ભુજની સંસ્કૃતિસભર બજારોમાં ખરીદી અર્થે આવી રહ્યા છે,
પણ બજારોમાં આવતા ગ્રાહકોને મોટામાં મોટી તકલીફ કાર પાર્કિંગની થતી હોવાની
ફરિયાદો ઊઠી હતી. બહારગામથી આવનારા લોકો ભૂલેચૂકે બજારમાં જો કાર લઇ જાય તો ટ્રાફિકજામ
થતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠતા હોવાના બનાવ દરરોજ બની રહ્યા હોવાની પણ રાડ ઊઠી હતી.
જો કે, આ સમસ્યા ઉકેલવામાં ધારાસભ્ય કેશુભાઇ પટેલે ખાસ રસ લઇ
તંત્ર સાથે બેઠક કરી હતી. આ અંગે પૂરક વિગતો આપતાં ભુજ સુધરાઇની બાંધકામ શાખાના ચેરમેન
જગત વ્યાસે જણાવ્યું કે, કેશુભાઇએ નગરપાલિકા, આર. એન્ડ બી. અને જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી,
જેમાં સમસ્યાના હલ માટે મિડલ સ્કૂલનો અમુક ભાગ, જૂની એસ.ટી. વિભાગની કચેરી પાસે, નવાં બસ સ્ટેશનનું પાર્કિંગ,
ઓપન એર થિયેટરનું મેદાન, જિલ્લા પંચાયત કચેરી સંકુલનો
ખાલી ભાગ કાર સહિતના પાર્કિંગ માટે ઉપયોગમાં લેવા નક્કી કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય
છે કે, ભુજની બજારોના વેપારીઓની પણ લાગણી હતી કે, કાર પાર્કિંગની સુવિધા ન હોવાથી અનેક ગ્રાહકો સ્થાનિક બજારમાં આવવાનું ટાળતા
હોય છે. આ બાબત પણ કેશુભાઇ સમક્ષ આવતાં તેમણે `વોકલ ફોર લોકલ'ના સૂત્રને સાર્થક કરવા ઉપરોક્ત આયોજન ઘડયું
હોવાનું શ્રી વ્યાસે ઉમેર્યું હતું. અહીં એ પણ નોંધનીય છે કે, ભુજ તેમજ આસપાસના હાઇવેનું વિસ્તૃતીકરણનું કામ પણ ઝડપભેર આગળ ધપી રહ્યું છે,
ત્યારે ઉપરોક્ત વ્યવસ્થાથી વેપારીઓને તથા ગ્રાહકોને મોટી રાહત સાંપડશે
તેવો આશાવાદ વ્યક્ત થઇ રહ્યો છે.