રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી) તા. 2 : જિલ્લામાં અપૂરતા વરસાદથી માંડવી મુંદરાની કાઠાળ પટ્ટી સહિત
મગફળીના પાકનું ઉત્પાદન માંડ 20 થી 25 ટકા રહેવાની આશંકા વચ્ચે ખેડૂતો
સામે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. વરસાદના અભાવે મગફળીના પાકમાં દાણા અને ઉત્પાદન ઓછું
થયું છે, તો બીજી તરફ શિયાળાની શરૂઆત સાથે હજારોની સંખ્યામાં
કુંજ પક્ષીઓનું આગમન થતાં ખેતરોમાં કાઢીને રાખવામાં આવેલી મગફળીના પાકને નુકસાન પહોંચી
રહ્યું છે. પરિણામે આર્થિક સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો
છે. ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે કચ્છના ખેડૂતોના ખરીફ પાક પર માઠી અસર પડી છે.
મગફળી જેવા રોકડિયા પાકમાં ઉત્પાદન અત્યંત ઓછું રહેવાની શક્યતા છે. મગફળીનો પાક તૈયાર
થતાં ખેડૂતો તેને જમીનમાંથી કાઢીને ખેતરોમાં એકત્ર કરી રહ્યા છે. જોકે, આ જ સમયે શિયાળાની સિઝન શરૂ થતાં કુંજ પક્ષીઓનું આગમન થયું છે. સ્થાનિક ખેડૂતોના
જણાવ્યા અનુસાર, આ વર્ષે કુંજ પક્ષીઓની સંખ્યા અગાઉની સરખામણીએ
લગભગ બમણી જણાઈ રહી છે અને હજારોની સંખ્યામાં કાઠાળ પટ્ટીમાં આ પક્ષીઓ ખેતરોમાં જોવા
મળી રહ્યા છે.
દિવસ-રાત રખેવાળી
ખેતરોમાં કાઢીને રાખવામાં આવેલી મગફળી પર કુંજ પક્ષીઓનાં ટોળાં
ઊતરી પડતાં પાકને નુકસાન થઈ રહ્યું હોવાની ખેડૂતોની ફરિયાદ છે. આમ, રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ અને દિવસે કુંજ
પક્ષીઓના ત્રાસ વચ્ચે ખેડૂતોને પોતાના પાકની રખેવાળી કરવાની ફરજ પડી રહી છે. અપૂરતા
વરસાદને કારણે મગફળીના પાકમાં પહેલેથી જ ઉત્પાદન ઓછું રહેવાની આશંકા છે. તેમાંય ખેતરમાં
તૈયાર થયેલો પાક એકત્ર કરવાની કામગીરી દરમિયાન પક્ષીઓ અને જંગલી પ્રાણીઓથી નુકસાન થતાં
ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આખા વર્ષની મહેનત બાદ પાકમાંથી થોડી ઘણી આવકની આશા
રાખતા ખેડૂતો માટે હવે વાવણી પાછળ થયેલો ખર્ચ પણ નીકળશે કે કેમ તેવો પ્રશ્ન ઊભો થયો
છે. એક તરફ દિવાળીના તહેવારો નજીક આવતાં લોકો ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે,
ત્યારે બીજી તરફ ખેડૂતો પોતાના ખેતરોમાં દિવસ-રાત મહેનત કરીને બચેલો
પાક એકત્ર કરવામાં લાગી ગયા છે. પાકની સ્થિતિ અને વધતા નુકસાનને જોતાં આ વર્ષે ખેડૂતોની
દિવાળી કેવી રહેશે તેવો સવાલ પણ ઊભો થયો છે.
પાકધિરાણ માફીની માંગ
કચ્છ સહિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોના ખેડૂતો માટે
સરકાર દ્વારા પ્રતિ હેક્ટર રૂા. 8,500ની સહાયની
જાહેરાત કરવામાં આવી છે. જોકે, પાકમાં
થયેલા મોટા નુકસાનની સરખામણીએ આ સહાય પૂરતી છે કે કેમ તે અંગે ખેડૂતોમાં સવાલો ઊઠી
રહ્યા છે. કાઠડાના ખેડૂત અગ્રણી રતનભાઈ મેઘરાજભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે,
`ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, તેની સામે રૂા.8,500ની સહાયથી શું રાહત મળશે? આ તો પડ્યા ઉપર પાટા સમાન છે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આખા વર્ષની
આવકનો મોટો આધાર મગફળી જેવા રોકડિયા પાક પર હોય છે. આ વર્ષે પાકનું ઉત્પાદન જ નહિંવત્
રહેવાની સ્થિતિમાં ખેડૂતો માટે ખેતી પાછળ કરેલો ખર્ચ કાઢવો અને પાકધિરાણ ભરવું મુશ્કેલ
બનશે તેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોનું પાકધિરાણ માફ કરવામાં આવે તેવી
માગ પણ તેમણે કરી હતી.
સહાય સામે અનેક સવાલો
દેશને અનાજ પૂરું પાડતા ધરતીપુત્રો આજે કુદરતી પરિસ્થિતિ, પાકના ઓછા ઉત્પાદન અને ખેતરમાં તૈયાર થયેલા
પાકને બચાવવાના પડકારોનો સામનો કરી રહ્યા છે. દિવાળીના તહેવારના માહોલ વચ્ચે ખેડૂતો
માટે સૌથી મોટો પ્રશ્ન પોતાના પાકમાંથી કેટલું ઉત્પાદન બચાવી શકાશે અને વાવણી પાછળ
થયેલા ખર્ચની ભરપાઈ કેવી રીતે થશે તે છે.