• મંગળવાર, 03 નવેમ્બર, 2026

વાહન મંત્રાલયના એક મેસેજથી વાહનધારકોમાં દોડધામ

કેયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 2 : `િપ્રય વાહન માલિક તમારા વાહનના વીમા અને પીયુસીસીનું લાંબા સમયથી નવીનીકરણ ન કરવાને કારણે તમારા વાહનને `સ્થાયી આર્કાઈવ'માં ખસેડવામાં આવ્યું છે.  નિયમોનું પાલન ન કરતાં વાહનનો ઉપયોગ ચાલુ રાખવો એ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો છે. કૃપા કરીને જરૂરી કાર્યવાહી માટે આરટીઓનો સંપર્ક કરો.' દિવાળીની ભરચક ખરીદી અને ખર્ચ વચ્ચે ખેંચાયેલા વર્ગના મોબાઈલ પર છેલ્લા થોડા દિવસથી ઝબકી રહેલા આ મેસેજે વાહનધારકોને મૂંઝવણ અને વિચારમાં મૂકી દીધા છે કે  આખરે આ મેસેજ કહેવા શું માગે છે. કચ્છમિત્રએ આરટીઓ સહિતના સત્તાવાર સાધનોનો સંપર્ક કરતાં એવી વિગતો સાંપડી હતી કે, જે વાહનના વીમા કે પીયુસી થોડા વર્ષોથી લેવાયેલા નથી તેમના નોંધાયેલા માલિકોને આ પ્રકારના સંદેશ મળ્યા છે કે મળી રહ્યા છે.

કાયમી આર્કાઈવ એટલે શું?

વાહનોની પરિભાષા અનુસાર કાયમી આર્કાઈવ શ્રેણી હેઠળ વર્ગીકૃત વાહનો મૂળભૂત રીતે નિક્રિય માનવામાં આવે છે અને તેને સામાન્ય સંજોગોમાં રાબેતા મુજબના કે સ્વચાલિત પુન: સક્રિયકરણ કરાવી શકાતું નથી.

કેને -કોને મેસેજ મળી શકે?

જાણકારો અનુસાર જેમના વાહન જૂના છે અને એક કે તેથી વધુ વર્ષથી વીમો કે પીયુસીસી લેવામાં આવ્યા નથી તેમને કેન્દ્રીય મંત્રાલય કક્ષાથી જ સીધા મેસેજ ગયા છે કે જઈ રહ્યા છે.

ઘણી વખત કોઈની પાસે એકથી વધુ વાહન હોય તો જે વાહન રસ્તા પર બહુ જતું ન હોય અથવા બંધ પડયું હોય તેનો વીમો કે પીયુસી લેવામાં ઉપેક્ષા સેવવામાં આવતી હોય છે.

વીમા વિના વાહન ન ચલાવાય : તંત્ર

આરટીઓના સત્તાધિકારીઓએ વાહનોના વીમાની નિયમિત ચકાસણી કરી તેને રિન્યૂ કરાવવાની તાકીદ કરતાં કહ્યું હતું કે, વીમા વિના વાહન ચલાવવું કાયદાકીય ગુનો છે એટલે વીમો ન હોય તો સત્વરે લઈને પછી જ વાહન ચલાવવું હિતાવહ છે.

આરટીઓ પાસે પરિપત્ર બાકી

જાણવા મળ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રાલયે તેના ડેટાબેઝના આધારે દેશભરમાં આ મેસેજ પ્રસારિત કરી નાખ્યો છે, પરંતુ જેમને તેનું અમલીકરણ કરવાનું છે તેવી રાજ્યોની આરટીઓ કચેરીને હજુ કોઈ પરિપત્ર કે નિયમો મળ્યા ન હોવાથી માર્ગ પરિવહન અધિકારીની કચેરીઓ પાસે પણ આ મેસેજના ઉકેલરૂપે શું કાર્યવાહી કરવી તેની નક્કર વિગતો તત્કાળ ઉપલબ્ધ નથી.

વીમો તો ઓનલાઈન પણ થાય, પીયુસીનું શું?

વીમાના અગ્રણીઓ અનુસાર વાહનો માટે ફુલ અને થર્ડ પાર્ટી એમ વીમા ઉપલબ્ધ છે અને લોકો તેને ઓનલાઈન પણ લઈ શકે છે, પરંતુ મુખ્ય પ્રશ્ન પીયુસીસીને લઈને હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સરકાર પીયુસી કેન્દ્રો વધારે

જાણવા મળ્યા પ્રમાણે પીયુસીસી કેન્દ્રોની સંખ્યા વાહનોની દૃષ્ટિએ ઘણી ઓછી છે અને ગામડાઓમાં તો આવાં કેન્દ્રો નહીંવત હોવાથી ગામડાના લોકોને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માટે નજીકના શહેરો સુધી ધક્કા પડવાનો તાલ છે.

નિયમોનું પાલન કેટલી જગ્યાએ?

સરકારે પીયુસી ક્ષેત્રે પારદર્શકતા માટે વાહનને કેન્દ્ર ખાતે લઈ જવા અને ઓટીપી જેવાં પગલાં ભર્યાં હોવા છતાં વાહનોના ફોટા પરથી પણ પીયુસીસી નીકળતા હોવાના દાવાની પણ તપાસ થવી જોઇએ.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd