• મંગળવાર, 03 નવેમ્બર, 2026

દેશલપર-હાજીપીર રોડ પર 15 કિ.મી. જામ

નખત્રાણા, તા. 2 : દેશલપર-હાજીપીર સ્ટેટ હાઈવે પર આજે વહેલી પરોઢથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતાં વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મીઠાંથી ભરેલું એક ટ્રેલર રસ્તાની વચ્ચોવચ બંધ પડી જતાં સમગ્ર માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ટ્રેલરના કારણે રસ્તાની બંને તરફ અંદાજે 15 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. હાજીપીર તરફ જતાં અને દેશલપર તરફ આવતાં વાહનો કલાકો સુધી મહા ટ્રાફિકજામમાં અટવાઈ જતાં સ્થાનિક લોકો, વાહનચાલકો તેમજ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે આ સમસ્યા હવે માથાનો દુ:ખાવો બની રહી છે.

નવો રોડ બન્યો, પણ ટ્રકોની સમસ્યા યથાવત્!

દેશલપર-હાજીપીર નવા રોડ પર મીઠાંથી ભરેલી ભારે અને ઓવરલોડ ટ્રકોની સતત અવરજવરને કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ઓવરલોડ વાહનોના કારણે કરોડોના ખર્ચે બનેલા રસ્તાને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ સરહદી વિસ્તાર અને હાજીપીર જેવા ધાર્મિક સ્થળને જોડતો મહત્ત્વપૂર્ણ માર્ગ આધુનિક સુવિધા સાથે તૈયાર થયો છે, ત્યારે બીજી તરફ ભારે વાહનોના નિયમનના અભાવે સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડે તે યોગ્ય નથી.

ઓવરલોડ વાહનોનું નિયમન કોણ કરશે?

સંબંધિત તંત્ર દ્વારા ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવામાં આવે અને આ માર્ગ પર ભારે વાહનોની અવરજવરનું યોગ્ય નિયમન થાય તેવી વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં પ્રબળ માંગ ઊઠી રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd