ગાંધીધામ, તા. 2 : દિવાળીના પર્વે ગાંધીધામ-આદિપુરના
બજારોમાં ખરીદીનો ઉત્સાહ જળવાઈ રહે, વેપારીઓને વેચાણની અનુકૂળતા મળે અને ગ્રાહકો સુરક્ષિત તથા સુવ્યવસ્થિત વાતાવરણમાં
ખરીદી કરી શકે, માણી શકે તે હેતુથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ
એન્ડ ઈન્ડસ્ટ્રી અને પૂર્વ કચ્છ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેમ્બર ભવન ખાતે પોલીસ અધિકારીઓ,
ગાંધીધામ ચેમ્બર તથા વિવિધ વેપારી સંગઠનોની સંવાદ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ સાંજે પોલીસ વિભાગ દ્વારા મુખ્ય બજારમાં
પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જાત માહિતી લેવાઈ હતી અને તમામ ટેન્ટ અને રેંકડીધારકોને
વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારણા કરવામાં આવી હતી. પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષક સાગર
બાગમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ટ્રાફિક, પાર્કિંગ,
દબાણો, માલવાહક સુરક્ષા, બહેનોની સુરક્ષા અને નાગરિક સુવિધાઓ સહિતના પ્રશ્નો અંગે મુક્તમને ચર્ચા થઈ
હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું
હતું કે, પર્વ દરમ્યાન
બજારોમાં વધતી અવરજવર વચ્ચે વેપારીઓને અનુકૂળતા, ગ્રાહકોને
સુવિધા અને નાગરિકોને સુરક્ષા મળે તે સૌની સહિયારી જવાબદારી હોવાનું જણાવ્યું હતું.
ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ વેપારી સમાજના પ્રશ્નો, પોલીસ
તંત્ર સમક્ષ પહોંચે તે માટે સંવાદ જરૂરી હોવાનું કહ્યું હતું. વાહનોની વધતી સંખ્યા
સહિતની સ્થિતિને ધ્યાનમાં રાખીને બજારની ભૌગોલિક સ્થિતિ અને જરૂરિયાતોને સમજીને વ્યવહારુ
ઉકેલ લાવવાથી પરિણામ મળશે તેવું કહ્યું હતું. પોલીસ અધીક્ષક સાગર બાગમારે વેપારીઓની
રજૂઆતોને ગંભીરતાથી સાંભળી હતી. પોલીસ તંત્રનો ઉદ્દેશ વેપાર કે ખરીદીની પ્રવૃત્તિમાં
અવરોધ ઊભો કરવાનો નથી, પરંતુ વેપારીઓ, ગ્રાહકો
અને નાગરિકો સૌ માટે સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ ઊભું કરવાનો હોવાનું જણાવ્યું હતું. તેમણે ટ્રાફિક વ્યવસ્થા
માટે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાણી,
મંત્રી દિનેશ ગોયલ, ગાંધીધામ-આદિપુર વેપારી એસોસીએશનના
પ્રમુખ કાલુભાઈ ભાનુશાલી સહિતના આગેવાનોએ પૂરતી અને સુનિયોજિત પાર્કિંગ વ્યવસ્થા,
વાહનો માટે વૈકલ્પિક પાર્કિંગ, પાર્કિંગ સ્થળો
પર દબાણ દૂર કરવા, માલસામાનની હેરફેર માટે અનુકૂળ સમય અને વ્યવસ્થા,
મહાત્મા ગાંધી સર્કલ, ઝંડા ચોક, જવાહર ચોક, ચાવલા ચોક અને સરદાર વલ્લભભાઈ ચોક જેવા મહત્ત્વના
ચોકમાં ટ્રાફિક પોઈન્ટ પર વિશેષ ધ્યાન, ટ્રાફિક પોલીસની યોગ્ય
તૈનાતી સહિતની રજૂઆતો કરી હતી. આ ઉપરાંત ઓનલાઈન વેપારના વધતા વ્યાપને કારણે પરંપરાગત
દુકાનો અને શો-રૂમમાં ગ્રાહકોની અવરજવર તથા વેચાણ પર અસર પડી રહી છે. નાના વેપારીઓ
સહિત દરેકને વ્યવસાય કરવાનો અધિકાર છે, પરંતુ ફૂટપાથ અને શો-રૂમની
આગળની જગ્યા અનધિકૃત રીતે રોકી લેવાથી અન્ય વેપારીઓના વ્યવસાય અને ગ્રાહકોની અવરજવરને
અસર ન થવી જોઈએ જેવા મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા હતા.
દરમ્યાન સાંજે નાયબ પોલીસવડા મુકેશ ચૌધરી અને પોલીસ અધિકારીઓએ બજારની મુલાકાત
લીધી હતી અને રેંકડીધારકોને તેમજ મંડપ બાંધનારા વેપારીઓને સામાન હટાવી લેવા તાકીદ કરી
હતી. બાદમાં મહાપાલિકા કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં રેંકડીધારકોને
વૈકલ્પિક જગ્યા ફાળવવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. વેપારીઓએ જ્યાં સુધી રેંકડીઓ,
મંડપ ન હટે ત્યાં સુધી વાહનો ડિટેઈન ન કરવા માંગ કરી હતી. હવે આવતીકાલે
બજારમાં શું પરિસ્થિતિ સર્જાય છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે.
નગરપાલિકા ટેન્ટ માટે મંજૂરી આપે છે : પોલીસે કહ્યું ગુનો નોંધાશે
ગાંધીધામ, તા. 2 : ગાંધીધામની બજારમાં દ્વિચક્રી વાહનો રાખવાની જગ્યામાં મંડપ બાંધવા
મુદ્દે વેપારીને હટાવવાની સૂચના અપાઈ હતી. આ દરમ્યાન વેપારીએ મંજૂરી દર વર્ષે અપાય
છે અને હવે લઈ લેશું તેવું કહ્યું હતું, પરંતુ પોલીસે ટ્રાફિકના અવરોધરૂપ મંડપની મંજૂરી હોય જ નહીં તેમ કહી હટાવી લેવા
કહેવાયું હતું અને જો નહીં હટાવાય તો ગુનો
દાખલ કરાશે તેવું સ્પષ્ટ જણાવાયું હતું.