રશ્મિન પંડયા અને કાંતિ ધોરિયા દ્વારા : અંજાર, તા. 2 : આદિકાળથી વતન અને માટીપ્રેમની વાતો થતી આવી છે તેવામાં અંજારના એક માત્ર કુંભાર મહિલા છેલ્લાં 35 વર્ષથી ચાકડો હંકારી અવનવી
કૃતિઓને આકાર આપી રહ્યાં છે. આ ઉપરાંત આ મહિલા આપણી પરંપરાગત માટી હસ્તકળાને જીવંત
રાખવાના ઉમદા ઉદ્દેશ સાથે વિદ્યાર્થીઓને પણ માટીની અવનવી કૃતિઓ બનાવવા માટે પ્રશિક્ષણ
પણ આપી રહ્યાં છે.
પરંપરા પ્રચલિત
અંજારમાં માટીકામની પરંપરા લાંબા સમયથી પ્રચલિત છે. શહેરના મુસ્લિમ
કુંભાર સમુદાયના અનેક પરિવારો આજે પણ પોતાનો વારસો જાળવી રાખીને માટીકામના
વ્યવસાય સાથે જોડાઈને અનેક પ્રકારની કૃતિઓને આકાર આપી રહ્યા છે.
35 વર્ષથી કામ
છેલ્લાં 35 વર્ષ કરતાં
વધુ સમયથી માટીકામની સાથે જોડાયેલા અને દીવા, માટલા, રમકડાં, પાણીનાં કુંડા,
તાવડી સહિતની વસ્તુઓને આકાર આપતાં આપતાં મરીયમબેન કુંભારે જણાવ્યું હતું
કે, શરૂઆતના સમયમાં માટીકામના વ્યવસાયમાં ભારે પરિશ્રમ અને અનેક
મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરિશ્રમ મુજબ કારીગરોને યોગ્ય વળતર પણ મળતુ ન હતું.
આ વ્યવસાયને ટકાઉ રાખવો એ પડકારજનક હતો. જો કે, સમયના બદલતા પ્રવાહ
સાથે લોકોમાં કળા પ્રત્યે જાગૃતિ આવી છે. સરકારી પ્રોત્સાહન, નવી ટેક્નોલોજીનો સમન્વય અને વિવિધ પ્રદર્શનનાં માધ્યમથી માટીકામની કળાને વધુમાં
વધુ લોકો સુધી પહોંચાડવાની તકો નિર્માણ થઈ છે.
પ્રોત્સાહન જરૂરી
હસ્તકલાકાર મરીયમબેનના પુત્ર જાવેદભાઈએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ પ્રોત્સાહન યોજનાઓ અને કારીગરોને મંચ આપવા માટેના
પ્રયાસ આવકાર્ય છે. વિવિધ સ્થળોએ યોજાતાં પ્રદર્શનો અને એક્ઝિબિશન અને સ્વદેશી મેળાઓના
માધ્યમથી કારીગરોને પોતાની બનાવટો રજૂ કરવા તથા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળે છે.
આવા મંચો કારીગરો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.
આબેહૂબ કૃતિઓ
પરંપરાગત કળાને આધુનિક સમયની જરૂરિયાતો સાથે જોડીને કારીગરોને
તાલીમ, બજાર
તથા આર્થિક પ્રોત્સાહન મળે,
તો આ વ્યવસાયમાં નવી તકો ઊભી થશે. માટીકામ સાથે જોડાયેલા પરિવારનો રોજગારી
અને પ્રોત્સાહન આપવા માટીથી નિર્માણ પામેલી વસ્તુઓનો ઉપયોગ કરવા નાગરિકોને અપીલ કરી
હતી. મરીયમબેન વિવિધ સરકારી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને માટીમાં આબેહૂબ કૃતિઓ કંડારવા માટે પ્રશિક્ષક આપી
રહ્યાં છે. આધુનિક યુગમાં અનેક પરંપરાગત કળાઓ
લુપ્ત થવાના આરે છે, ત્યારે અંજારના મહિલા હસ્તકલાકારે માટીકામની
કળાને જીવંતને રાખવા માટે નોંધપાત્ર પ્રયાસો હાથ ધર્યા છે.
ટેક્નોલોજીના સમયમાં પણ માટીની વસ્તુઓ પ્રત્યે લગાવ યથાવત્
વર્તમાન સમયમાં ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો હોવા છતાં માટીની ચીજવસ્તુઓ
પ્રત્યે લોકોનો લગાવ યથાવત્ રહ્યો છે. ખાસ કરીને પરંપરાગત દીવા, માટલાં અને અન્ય માટીની બનાવટો આજે પણ લોકોની
પસંદગીમાં સ્થાન ધરાવે છે. દિવાળી પર્વ દરમિયાન માટીના દીવાઓની માંગમાં વધારો થતો જોવા
મળે છે. ચીની બનાવટની ચીજવસ્તુઓના બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનાં
અભિયાનને પગલે પણ દેશી માટીના દીવાઓની ખરીદી તરફ લોકોનું ધ્યાન આકર્ષાઈ રહ્યું છે.
માટીની બનાવટો સામાન્ય રીતે વ્યાજબી કિંમતે ઉપલબ્ધ થતી હોવાથી વિવિધ વર્ગના લોકો તેને
ખરીદી શકે છે.