• મંગળવાર, 03 નવેમ્બર, 2026

વિદેશની દિવાળીમાં પણ દેખાતા કચ્છી સિલાઇવાળા પોશાક

કિશોર ગોર દ્વારા : ભુજ, તા. 2 : ભારત વર્ષના મહાપર્વ દીપોત્સવીના રંગ જમાવવા એક તરફ ઓનલાઇન ઓફરોએ માજા મૂકી છે, તો બીજી બાજુ બજારો પણ સજ્જ થઇ ચૂકી છે. આ ઉત્સવની આગવી ઓળખ ઊભી કરતા પોશાકમાં પરંપરાથી માંડી આધુનિકતાનો સમન્વય સમય સમયે થતો રહે છે. તેમ તેમ જૂની અને જાણીતી ડિઝાઇનો ટીનએજને ફરી આકર્ષી  રહી હોવાનું કપડાં સીવતા દુકાનદારો પાસેથી જાણવા મળે છે.

એનઆરઆઇ પણ કચ્છમાં કપડાં સીવડાવતા રહ્યા છે

વતનપ્રેમ માટે વિખ્યાત કચ્છીઓની વિદેશમાં પેઢી બદલી જવા છતાં તેમની પણ કચ્છમાંથી કપડાં સીવડાવીને લઇ જવાની પરંપરા અકબંધ રહી છે. એનઆરઆઇના સૌથી મોટા ગામ માધાપરના હસમુખભાઇ સોલંકી જણાવે છે કે, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકાથી આવતા યુવાનો ભારતની બ્રાન્ડેડ મિલના ઊંચા કોટન, વૂલ અને પોલીએસ્ટર ઉપર પસંદગી ઉતારે છે. વિદેશોમાં ઓફિસોમાં પ્રિન્ટ ન ચાલે સોબર ડિઝાઇન તેમાં પણ પ્લેઈન, લાઇનિંગ અને ચેક્સવાળા ફોર્મલ શર્ટ, પેન્ટ મોટા ભાગની જરૂરિયાત મુજબ કચ્છમાં જ સીવડાવી જતા હોય છે. નવરાત્રિ પર્વથી જ દિવાળી માટેનાં કપડાં સીવડાવવા આપી જાય છે. હા, આપેલી  તારીખે લેવા અચૂક આવી જાય છે. વિદેશની વ્યસ્ત જીવનશૈલીને જોતાં  સળ ન પડે તેવાં કાપડ પર પહેલી પસંદગી ઉતારતા હોય છે.

લેડીઝવેરમાં હેવીમાં પસંદગી

આ વર્ષે દિવાળી પર લેડીઝ કપડાંમાં અનારકલી ગાઉન, અમ્બ્રેલા ગાઉન, શોર્ટ ટોપ અને અમ્બ્રેલા પ્લાઝા હેવીમાં ટ્રેન્ડ વધારે છે. તેવી રીતે હેવી હેન્ડ વર્કવાળા ડ્રેસનું ચલણ વધારે છે પ્રિન્સેસ કટમાં મધુબાલા સ્ટાઇલ, સબ્યસાચી બ્લાઉઝ ઉપરાંત હેવી ચણીયાચોળી સીલાઇકામ માટે ખાસ આવે છે. હોસ્પિટલ રોડ સ્થિત આશિષભાઇ ચાવડા જણાવે છે કે, મુંબઇના પ્રમાણમાં કચ્છમાં સીલાઇના દરોમાં ફાયદો થતો હોવાથી માદરે વતનમાં યુવતીઓ પસંદગી ઊતારે છે. દિવાળીની સાથે લગ્નસરાની સિઝન પણ પૂરજોશમાં જામી છે.

સબ્યસાચી મધુબાલા, ઓલ્ટરનેટ બ્લાઉઝ-કલીવાળો પ્લાઝા ટ્રેન્ડમાં

ફળોમાં આંબો રાજા ગણાય તેમ બ્લાઉસમાં ઓલ્ટરનેટ બ્લાઉઝનું મહત્ત્વ છે. સોનિયા ગાંધી, વસુંધરા રાજે જેવી હસ્તિઓની પસંદગી રહે છે તે પેક હોય છે, જ્યારે ફિલ્મી હિરોઇનોની પસંદગી બની રહેતી સબ્યસાચી ડિઝાઇનવાળા બ્લાઉઝનો માપ બેસાડવો પડે તેનું કામ શૂટ જેટલું અઘરું છે. ભુજમાં ચારેક જ દરજી આ કામ કરતા હોવાનું કિરણભાઇ સોલંકીએ ઉમેર્યું કે, જૂની પેટન્ટ મધુબાલા બ્લાઉઝ અને ડિઝાઇનર ચોલીકટ બ્લાઉઝ  ટ્રેન્ડમાં છે. તો, ડ્રેસમાં ટ્રાઉઝર, પેન્ટ પ્લાઝો, સરારા ડ્રેસ સાથે પ્રિમીયમ લોકોના ટ્રેન્ડમાં કલીવાળો પ્લાઝો છે. ડિપનેક પહેરી શકાય તેવા પેડેડ બ્લાઉઝની ડિમાન્ડ વધારે રહે છે.

ટીન એજમાં જૂની સ્ટાઇલનું પ્રચલન

દિવાળી અને બાદમાં લગ્ન પ્રસંગોને ધ્યાને લઇ શૂટ સીવતા દરજીઓ પાસે પણ નવા ઓર્ડર લેવા મુશ્કેલ બન્યા છે. જોધપુરી પેન્ટ, ઉપરાંત બૂક સ્કેનર અને વીડિયોમાંથી શૂટની પસંદગી કરનારાને 24થી 48 કલાકમાં તૈયાર કરી અપાય છે તેવું જણાવતાં મુકેશભાઇ ધામેચા જણાવે છે, ટીનએજર વર્ષ 1975થી  78ની જૂની સ્ટાઇલવાળા બૂટકટ, સ્ટ્રેટ સેપ, બેગી ટાઇપ પેન્ટ સીવડાવવાની પસંદગી ઉતારી રહ્યા છે.

રફૂકામ કરનારાની મંદીની રાવ

વાસણના બદલામાં જૂના કપડાં એકત્ર કરતા મહિલા વર્ગ દ્વારા લવાતા ખપ પૂરતા સીલાઇ કામ અને જૂના કપડાં ખરીદીને જરૂર જણાય, તો રફૂકામ કરાવનારા શ્રમજીવી વર્ગના દરજીઓ દિવાળી નજીક આવી હોવા છતાં મંદી હોવાની રાવ કરી રહ્યા હોવાનું જગદીશભાઇ ગરવાએ જણાવ્યું હતું.

પ્રવાસીઓ માટે કચ્છી ભરતનો ખજાનો તૈયાર

દિવાળી પૂર્વે જ કચ્છમાં પ્રવાસીઓનું આગમન થવા લાગશે. શનિ, રવિવારથી માતાના મઢ સહિતનાં સ્થળોએ મોટાભાગનાં વાહનો ટૂરિસ્ટોના છવાઇ જશે. વિદેશી ટૂરિસ્ટો જાન્યુઆરી-ફેબ્રુઆરીના ઠંડીના માહોલમાં ઊમટી પડશે, ત્યારે કચ્છના આભલા ભરતવાળા વત્રો સહિત હસ્તકળાની વસ્તુઓની બજાર ધમધમતી થઇ જશે તેવું આ ક્ષેત્રના માહિર નિકિતાબેન નાવલેકરે જણાવતાં ઉમેર્યું કે, જરદોશી ભરત, મશીન એબ્રોઈડરી, બનારસી, લખનવી સહિતના આભલા ભરતના હસ્તકળાથી ઓપતાં વત્રોનું ઉત્પાદન નવરાત્રિથી ચાલુ થઇ જાય છે. વેજીટેબલ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ, આભલા પેચવર્કથી ભરપૂર વત્રોની નિકાસ પણ થાય છે. કચ્છનો ધંધો સ્થાનિક કરતાં ટૂરિસ્ટના શોપિંગ ઉપર મુખ્યત્વે રહે છે. જિલ્લાના રિટેલવાળા જુલાઇથી ફેબ્રુઆરી દરમ્યાન એકાદ-દોઢ કરોડ જેટલું ટર્નઓવર કરતા હોવાનો અંદાજ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd