• મંગળવાર, 03 નવેમ્બર, 2026

પ્રસૂતાનાં મૃત્યુ બાદ બાળક ગુમ અંગે હોબાળો

ભુજ, તા. 2 : પ્રસૂતાનાં મૃત્યુ બાદ નવજાત બાળક નહીં મળતાં જી.કે. જનરલ હોસ્પિટલમાં મામલો ગરમાયો હતો. જો કે, પોલીસ અને વહીવટી તંત્રની તપાસ ખાતરી મળતાં પરિસ્થિતિ થાળે પડી હતી. દરમ્યાન બાળક ગુમ થયાના આક્ષેપનું હોસ્પિટલ તંત્રે ખંડન કર્યું હતું. આ આખા બનાવની વિગતો મુજબ આઠ માસની ગર્ભવતી નાજીરા ઈલિયાસ નોડે (ઉ.વ. 27)ને તા. 28/10ના તબિયત લથડતાં તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં રાતે લઈ અવાતાં 11.48 વાગ્યે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રસૂતિ બાદ નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું. ઉપરાંત બાળકનાં મૃત્યુ બાદ તેને ફરી માતાના પેટમાં મૂકવામાં આવ્યું હોવાની વાત પણ તબીબો દ્વારા કરાઈ હતી. માતાનાં મૃત્યુ બાદ દફનવિધિ પૂર્ણ કરવા ગયા તે સમયે હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે, બાળક હોસ્પિટલમાં અમારી પાસે સુરક્ષિત રહેશે, તમે માતાની દફનવિધિ અને અન્ય ધાર્મિકવિધિઓ પૂર્ણ કરીને આવો, ત્યારબાદ બાળકને લઈ જજો. આજે જ્યારે પરિજનો બાળક લેવા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અલગ-અલગ જવાબો મળતાં હોબાળો મચ્યો હતો. આ બાબતની જાણ થતાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઈબ્રાહિમ હાલેપોત્રા અને મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છના મોહસીન હિંગોરજા તથા આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિજનો સાથે રહી ધરણા કર્યા હતા. હોસ્પિટલના સંબંધિત સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવા, બાળક અંગે હકીકત સ્પષ્ટ કરવા અને બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. દરમ્યાન પોલીસ તરફથી તપાસની ખાતરી મળતાં કાલે વકીલ મારફત લેખિતમાં પોલીસને તપાસની માંગ કરી રજૂઆત કરાશે, તેવું મોહસીને જણાવ્યું હતું. ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલ તરફથી જણાવાયું હતું કે, 27 વર્ષીય સગર્ભા મહિલાને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાંથી અત્રે ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. દર્દીને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતાં ફરજ પરના તબીબો દ્વારા તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સગર્ભા મહિલા તેમજ ગર્ભસ્થ બાળક બંને જીવીત હોવાના કોઈ પણ પ્રકારના જીવનચિહ્નો જણાયા ન હતા. જેના આધારે ફરજ પરના તબીબ દ્વારા માતા તથા ગર્ભસ્થ બાળક બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારના નિયત પ્રોટોકોલ મુજબ આ બનાવ અંગે એમ.એલ.સી. ડોક્ટર તેમજ હોસ્પિટલ પોલીસ ચોકીને જાણ કરવામાં આવી હતી. આગળની પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાર્યવાહી એમ.એલ.સી. ડોક્ટર અને સિવિલ સર્જનની કચેરી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd