• મંગળવાર, 03 નવેમ્બર, 2026

ગાગોદર પેટા કેનાલની બદતર સ્થિતિનો તાગ મેળવાયો

રાપર, તા. 2 : ગાગોદર પેટા કેનાલમાં અવાર-નવાર પડતું ભંગાણ, માટી ધસી જવાનના કારણે પાણી ન મળવું, કેનાલની સફાઈનો અભાવ સહિતની સમસ્યાઓથી ધરતીપુત્રો પરેશાન છે. આ મુદ્દે રાપરના ધારાસભ્યની આક્રોશપૂર્વકની રજૂઆત બાદ આજે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કેનાલની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો અને ધરતીપુત્રોને આગામી સિઝનમાં પૂરતું પાણી મળી રહે તે માટેની ખાતરી આપવામાં આવી હતી. ગાગોદર પેટા કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પડયાં હોવા ઉપરાંત સાફ-સફાઈના અભાવે ઘાસ અને માટીના પુરાણથી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થતો હતો. આગામી દિવસોમાં રવીપાકનું વાવેતર થવાનું છે, ત્યારે નર્મદા નિગમ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલની સફાઈ અને રિપારિંગ કામગીરી કરવામાં આવી નથી. જો યોગ્ય મરંમત વિના કેનાલમાં પાણી છોડવામાં આવે તો જર્જરિત ભાગોમાંથી કેનાલ તૂટવાની તેમજ ઘાસ અને માટીના પુરાણને કારણે ખેડૂતોના ખેતરો સુધી પાણી ન પહોંચવાની શક્યતા હોવાની રજૂઆત પ્રજા કે પ્રતિનિધિઓએ ધારાસભ્ય સમક્ષ કરી હતી. તાજેતરમાં મળેલી સંકલન બેઠકમાં કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા સમક્ષ રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ ગાગોદર પેટા કેનાલની બદતર સ્થિતિ અંગે ધારદાર રજૂઆત કરી હતી અને ખેડૂતોને પડતી હાલાકીનો નીવડો લાવવા માંગ કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક તાલેને કેનાલની સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિનો અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી. જેના પગલે આજે મદદનીશ કલેક્ટર અભિષેક તાલે સહિતની ટીમે ગાગોદર પેટા કેનાલની મુલાકાત લઈ સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કેટલાક સ્થળોએ વાહન જઈ શકે તેમ ન હોવાથી મદદનીશ કલેક્ટરે બાઈક ચલાવીને પણ કેનાલની સ્થિતિનું જાતનિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નર્મદા કેનાલની સુખપર, આડેસર, ગાગોદર અને ગેડી ડિસ્ટ્રીબ્યૂટરીની પણ મુલાકાત લેવામાં આવી હતી. કેનાલની ઠેર-ઠેર તૂટેલી, બાવળોથી ઘેરાયેલી અને માટીથી પુરાઈ ગયેલી વાસ્તવિક સ્થિતિ અંગેનો ડ્રોન સર્વે કરી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આગામી રવી સિઝનમાં ખેડૂતોને નર્મદાનાં નીર સુચારુ રૂપે મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી પ્રાંત અધિકારી અભિષેક તાલેએ ખેડૂતોને આપી હતી. મુલાકાત સમયે તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઢીલા, જિલ્લા પંચાયતના સભ્યો જયદીપાસિંહ જાડેજા અને સુરેશભાઈ મકવાણા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ રાજપૂત, મામલતદાર એચ.બી. વાઘેલા, નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી, રામજીભાઈ સોલંકી, ધારાસભ્યના પ્રતિનિધિ વિનુભાઈ થાનકી સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, આસપાસનાં ગામોના સરપંચો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd