રાપર, તા. 30 : અહીંના રાડા સભાગૃહમાં આયોજિત તાલુકા સંકલનની
બેઠકમાં નર્મદા કેનાલની ખખડધજ હાલત અંગે પ્રભારી મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાપર ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ
જાડેજા અને પ્રાંત અધિકારી અભિષેક તાલેની ઉપસ્થિતિમાં મળી હતી. બેઠકમાં પેટા કેનાલોની
બિસમાર હાલત, ભ્રષ્ટાચારના આક્ષેપો તેમજ પ્રજાના પ્રશ્નોના ઉકેલમાં
અધિકારીઓની ઉદાસીનતા સામે શાસક પક્ષના સભ્યોએ તડાપીટ બોલાવી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ સબ-ડિસ્ટ્રિબ્યૂટરી
કેનાલોમાં વર્ષોથી સફાઈ કે રિપારિંગનાં નામે માત્ર કરોડો રૂપિયાનાં બિલો બનાવી ભ્રષ્ટાચાર
કર્યો હોવાનો આક્ષેપ કરી કેનાલોની વર્તમાન સ્થિતિની તસવીરો પ્રભારી મંત્રી કાંતિભાઈ
અમૃતિયા તથા ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાને બતાવી વર્તમાન દુર્દશાથી વાકેફ કર્યા
હતા, જે જોઈને પ્રભારી મંત્રી પણ કેનાલમાં બાવળ છે કે બાવળમાં
કેનાલ છે એમ બોલી ઊઠયા હતા. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,
અગાઉ અનેક વખત કલેક્ટર અને પ્રાંત અધિકારી સમક્ષ આ મુદ્દો ઊઠાવવામાં
આવ્યો હતો. ગત વર્ષે રૂા. છ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવાયા છતાં જમીન પર કોઈ કામ થયું
નથી. કેનાલનાં કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે પ્રભારી મંત્રીએ પ્રાંત અધિકારી,
મામલતદાર, ટીડીઓ અને જનપ્રતિનિધિઓની કમિટી રચવા
આદેશ આપ્યો હતો. પ્રાંત અધિકારી અભિષેક તાલેએ સ્થળ પર જઈને રૂબરૂ સમીક્ષા કરી ઝડપી
ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સંકલનની બેઠકમાં અધિકારીઓની ગેરહાજરી સામે મંત્રીએ કડક
શબ્દોમાં ઝાટકણી કાઢી પ્રજાના પ્રશ્નો નહીં ઉકેલાય તે નહીં ચલાવી લેવાય તેમ કહી પોતે
દર બે-ત્રણ મહિને તાલુકા કક્ષાની સંકલન બેઠકમાં હાજર રહેશેનું જણાવી નર્મદા કેનાલના
પ્રશ્ને ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પાણી વિતરણ અને ટેન્કરના
પ્રશ્ને પણ ભારે હોબાળો મચ્યો હતો. સિંચાઈના અને પીવાના પાણીના ટેન્કરનાં બિલોમાં મોટાભાગે
કાગળ પર ચાલતી કામગીરીના આધારે નાણાં વેડફાઈ રહ્યાં હોવાનો આક્ષેપ કરી અમુક ભ્રષ્ટ
અધિકારીઓ વર્ષોથી ચીટકી રહ્યા હોવાનું ઉપસ્થિત સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આડેસરમાં 66 કેવી
સબસ્ટેશન ચાલુ કરવા અને ભીમાસરમાં પાણીની સમસ્યાનો પ્રશ્ન રામજીભાઈ સોલંકીએ ઊઠાવ્યો
હતો. આ બેઠકમાં મામલતદાર એચ.બી, વાઘેલા, ટીડીઓ કે.એમ. વાઘેલા,
પીઆઈ આર.એલ. ખટાણા, જયદીપાસિંહ જાડેજા,
જયરામભાઈ સોનારા, તા.પં. પ્રમુખ રાજેશ ઢીલા,
ભીખુભા સોઢા, ઉમેશભાઈ સોની, મહેન્દ્રાસિંહ વાઘેલા, બળવંતભાઈ ઠક્કર, ડોલરરાય ગોર, રતનભાઈ ગોહિલ, વિનુભાઈ
થાનકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.