• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

મુદત વીત્યાનો સામાન ખાઈ જતાં પશુનું મોત ?

ગાંધીધામ, તા. 30 : ગાંધીધામની ભાગોળે આવેલા મચ્છુનગરની ગૌચર જમીનમાં ગાંધીધામના એક મોલનો એક્સપાયરી ડેટનો સામાન બોલેરોના માધ્યમથી ડમ્પ કરવામાં આવે છે. આ સામાન મૂંગા પશુઓએ આરોગતાં તેમનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જાગૃત નાગરિકોએ આ બાબતે મહાનગરપાલિકાનું ધ્યાન દોરતાં સફાઈ વિભાગના વડા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ મચ્છુનગરમાં ગૌચર જમીનમાં એક્સપાયરી ડેટનો સામાન નાખવામાં આવ્યો હતો અને મૂંગા પશુએ ખાતા તેમનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે, આ અંગે જાગૃત નાગરિક સુમિતભાઈ ભરવાડ અને નવઘણભાઈ ભરવાડનો સંપર્ક સાધતા તેમણે એક બોલેરોચાલક અહીં ગૌચર જમીનમાં કચરો નાખી જાય છે અને તે ગાંધીધામના એક મોલનો એક્સપાયરી ડેટનો માલ સામાન હોય છે તે ખાધા પછી અગાઉ એક ગાયનું મોત થયું હતું અને એક દિવસ પહેલાં એક અન્ય પશુનું પણ મોત થયું છે. અહીં કચરો નાખ્યા પછી તેમને સળગાવવામાં આવે છે, અડધો કચરો સળગે છે બાકીનો જે કચરો હોય છે તે મૂંગા પશુઓ ખાતા હોવાથી તેમના મોત થઈ રહ્યાં છે.  બંને નાગરિકે વધુમાં કહ્યું હતું કે, આ બાબતે ગાંધીધામના મોલનો પણ સંપર્ક કર્યો હતો અને રૂબરૂ ગયા હતા, ત્યારે તે મોલના જવાબદારોએ અમારો એક્સપાયરી ડેટનો કચરો નથી તેવો જવાબ આપ્યો હતો. આ મામલો મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દાવેરા સુધી પહોંચતાં મહાનગરપાલિકાનો સફાઈ વિભાગ હરકતમાં આવ્યો હતો અને સેનેટરી ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રાસદ જોષીએ જાગૃત નાગરિકોનો સંપર્ક કરીને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે. ખરેખર જો ગાંધીધામના કોઈ મોલનો એક્સપાયરી ડેટનો માલ સામાન હોય અને તે મોંઘા પશુઓ ખાતા હોય અને તેનાથી તે પશુઓનું મોત થતું હોય, તો મોલમાંથી સામાન ખરીદતા અનેક લોકોનાં સ્વાસ્થ્ય સાથે પણ ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો શહેરના જાગૃત નાગરિકો દ્વારા થઈ રહ્યા છે. આ બાબતે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તથા સેનિટેશન વિભાગ દ્વારા તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઊઠી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd