માધાપર (તા. ભુજ), તા. 19 : શહેરની ભાગોળે
માધાપરના જાણીતા જખ મંદિરના ત્રિદિવસીય મેળાને શનિવારે સાંજે વિધિવત ઉદ્ઘાટન કરીને
ખુલ્લો મૂકાયો હતો. ભુજવાસીઓ પણ ઉમટી પડતાં સાંજથી રાત સુધી મેળાની રંગત જામી હતી.
મેળાનું ઉદ્ઘાટન સાંજે સંગઠન પ્રભારી ફલજીભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિ.પં. પ્રમુખ પ્રભાબેન હુણ, મંદિરના ટ્રસ્ટીઓ પ્રવીણભાઇ
નંદુ, નરેશભાઇ શાહ, ચીમનભાઇ ગમારા વગેરેની
હાજરીમાં કરાયું હતું. નાના યક્ષના મેળાનું આયોજન માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયત દ્વારા
કરાયું છે. તલાટી વિમલભાઇ ગુંસાઇએ વિગતો આપતાં જણાવ્યું કે, ચકડોળ
સહિત નાની-મોટી 15 રાઇડ્સ મેળાનું
આકર્ષણ જમાવી રહી છે. તો રમકડા, કટલેરી,
ખાણી-પીણીવાળા સહિતના મોટા સ્ટોલ 80 જેટલા ઉપરાંત પાથરણાવાળા વગેરે
મળીને 200 જેટલા ધંધાર્થીઓ છે. તાજેતરમાં
વરસાદ અને વાદળછાયા આકાશે ઠંડો માહોલ બનાવતાં મેળામાં રવિવારે અને સોમવારે સવારથી મેળાના
માણીગરો ઉમટવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી. મંદિરમાં માધાપર જખ બૌંતેરા સંઘ દ્વારા રવિ-સોમના
પહેડીનું આયોજન કરાશે. મુંબઇ સહિત દેશભરમાંથી ભાવિક ભક્તો મહોત્સવમાં ભાગ લેશે. સાંજે
દર્શનાર્થીઓની કતાર લાગી હતી. સંસ્થાના મેનેજરો પ્રવીણભાઇ અને હિતેષભાઇ ગજ્જરે વ્યવસ્થા
સંભાળી હતી.