ગાંધીધામ, તા. 19 : રાપર તાલુકાની ફતેગઢ સીમમાં
માલધારી ઉપર ગોળીબાર સાથે હત્યા નીપજાવવાના પ્રયાસના મામલામાં પૂર્વ કચ્છ એલસીબી પોલીસ
ટીમે બે આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. ફતેગઢ સીમમાં ભોજનારી ડેમ પાસે માલધારી પરિવારે પોતાનાં પશુધન સાથે પડાવ
નાખ્યો હતો. આ સ્થળે ગત તા.16/9ના રાત્રિના સમયે
મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સે જોગાભાઈ રબારી ઉપર ગોળીબાર કર્યો હતો, જેને પગલે તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી
હતી. હત્યાના પ્રયાસના મામલામાં પોલીસે ખોડાભાઈ કાનાભાઈ રબારીની ફરિયાદના આધારે પોલીસે
તપાસ હાથ ધરી હતી. બનાવ સ્થળે ગુનાનું પગેરુ
મેળવવા માટે સીસીટીવી કેમેરા કે અન્ય કોઈ મદદ
ન મળતાં પોલીસે ભારે વ્યાયામ હાથ ધર્યો હતો. રાત્રિના સમયે શિકાર કરવા જતા શખ્સોની
આ કરતૂત હોવાની આશંકા સાથે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં પોલીસે આરોપી અહેમદ
નજરમામદ હિંગોરજા (આડેસર, તા.રાપર), રિઝવાન
સુલેમાન સમેજા (આડેસર, તા.રાપર)ની એક દેશી બંદૂક, ત્રણ મોબાઈલ
ફોન, મોટરસાઈકલ સહિત કુલ રૂા. 70,500ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
હતી. આરોપીઓ જંગલ વિસ્તારમાં શિકાર કરવા માટે આવ્યા હતા, પરંતુ ઈજાગ્રસ્ત માલધારી જાગી જતાં તહોમતદારોએ
મારી નાખવાના ઈરાદે તેમના ઉપર ફાયરિંગ કરી
મોટરસાઈકલથી નાસી ગયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું.