નવી દિલ્હી, તા. 18 : જાપાનના આઇચી-નાગોચામાં
આવતીકાલથી એશિયન ગેમ્સ-2026નો વિધિવત
આરંભ થશે. ભારતીય દળ 2023ના હવાંગ્ઝુ
રમતોનાં વિક્રમી પ્રદર્શનથી પણ બહેતર દેખાવના ઉતરશે. 45થી વધુ દેશના 11000થી વધુ ખેલાડી આ `એશિયાડ'માં ભાગ લેશે. ભારતે આ વખતે 269 પુરુષ અને 234 મહિલા સાથેનું મોટું દળ મોકલ્યું છે. ક્રિકેટ, કબડ્ડી, કુસ્તી જેવી રમતોમાં
મેડલોની આશા છે. કાલે ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જ્યારે ચોથી ઓક્ટોબરે
સમાપન થશે. બે વખતની ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર અને શાંટ પુટ ચેમ્પિયન
તેજીન્દરપાલ સિંહ તૂર એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે. એમ ભારતના
શેફ ડી મિશન, સહદેવ યાદવે કહ્યું હતું. તૂર પંજાબના મોગા જિલ્લાનો
છે, તેણે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ જીત્યા છે. મનુ ભાકર પેરિસ
ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. 19મીએ ભારતીય સમયાનુસાર બપોરે 2.30થી 4.30 દરમ્યાન જાપાનના પાલોમા મિઝુહો
સ્ટેડિયમ ખાતે યોજાનારા ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન ભારતના રમતવીરો ત્રિરંગો લઇને ભારતીય
ટુકડીનું નેતૃત્વ કરશે. ભારત 36 રમતમાં ભાગ
લેશે. સોની સ્પોર્ટસ નેટવર્ક, સોની
લિવ એપ અને વેબસાઇટ પર રમતો જોઇ શકાશે. એશિયાડમાં કુલ 469 મેડલ ઇવેન્ટ્સ એટલે કે ચંદ્રકો
જીતવા માટેની રમત રમાશે. ભારતમાં રમતપ્રેમીઓ ડીડી સ્પોર્ટસ પર અને ડીડી પ્રી ડિશ ઉપર
એશિયન ગેમ્સ નિહાળી શકશે.