દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 19 : મુંદરા તાલુકાની ભૂખી નદીના
મહત્ત્વાકાંક્ષી નવસર્જન પ્રોજેક્ટના બીજા તબક્કામાં મુંદરા શહેરને જોડતા નદીના અઢી
કિલોમીટર વિસ્તારમાં રિવરફ્રન્ટનું નિર્માણ કરવાના સંકલ્પમાં આજે રાધાઅષ્ટમીના દિવસે
મહત્ત્વનાં મંગલાચરણ થયાં હતાં. શહેરને જોડતા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનાં કામનું
આજે મુંદરા- બારોઈ નગરપાલિકાના પ્રમુખ તેમજ મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત
થયું હતું. - સહિયારા કાર્યનો નિર્ધાર : ગ્લોબલ કચ્છ - કચ્છમિત્ર અને મુંદરા - બારોઈ
નગરપાલિકાના સહિયારા ઉપક્રમે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક સહયોગથી મુંદરામાં નદીની
સ્વચ્છતા, સુશોભન જ નહીં, વિવિધ
સાંસ્કૃતિક આયામ, રમત સંકુલ સહિતના પ્રકલ્પો હાથ ધરવાનાં સહિયારાં
કાર્યનો આજે નિર્ધાર કરાયો હતો. શનિવારે સવારે નદી વિસ્તારમાં યોજાયેલા એક સમારોહમાં
ઉપસ્થિત નગરપતિ ભોજરાજભાઈ ગઢવી અને સુધરાઈ હોદ્દેદારો તેમજ ગ્લોબલ કચ્છના ટ્રસ્ટીઓ,
આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને કાર્યનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે
નગરપતિ શ્રી ગઢવીએ કહ્યું હતું કે, મિયાવાકી પદ્ધતિથી એક વનમાં
3500 વૃક્ષ એવા ચાર વન સાથે રિવરફ્રન્ટનો
ડ્રીમ પ્રોજેક્ટ છે, જે આપણે સૌ શહેરીજનોએ સાથે મળીને
સાકાર કરવાનો છે. આ પહેલાં, આ કાર્ય માટે જરૂરી એવા નદીમાં ગટરનાં
પાણી, પશુઓના મૃતદેહ ફેંકવા અને દબાણ જેવા ઉઠાવાયેલા પ્રશ્નો
પર તેમણે ખાતરી ઉચ્ચારી હતી કે, એ બંધ થઈ ગયું છે. આમ છતાં ક્યાંક
હશે તો બંધ થશે અને દબાણ પણ હટાવાશે. શહેર વતી આ કાર્ય માટે ગ્લોબલ કચ્છ - કચ્છમિત્રની
પહેલને અભિનંદન આપતાં તેમણે ખાતરી આપી કે, નગરપાલિકા અને તમામ
નગરસેવકો, સંગઠન સાથે જ રહેશે. - પ્રશ્નોના ઉકેલની ખાતરી : મુંદરા શહેર ભાજપ પ્રમુખ અરાવિંદ પટેલે
કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ જેમ
મોદી હૈ તો મુમકીન હૈ... બની, એમ મુંદરામાં ગ્લોબલ કચ્છ હૈ તો
મુમકીન હૈ... થશે. ભૂખી નદીનો પ્રોજેક્ટ શહેરમાં આવતાં નાગરિકો ખરેખર તૃપ્ત થશે. આ
કાર્યમાં શહેર સંગઠન સદા સાથે છે. ગ્લોબલ કચ્છના ટ્રસ્ટી ધીરજ છેડા `એકલવીર'એ કહ્યું કે, ભૂખી નદીના શહેરને જોડતા અઢી કિ.મી.ના વિસ્તારમાં
માત્ર ખળખળ વહેતી નદી નહીં, વિવિધ સુવિધાયુકત રિવરફ્રન્ટ બનાવવાનાં
લક્ષ્યથી આગળ વધી રહ્યા છીએ. આ કામ શહેરની `હદ'માં નહીં શહેરીજનોના
`હાર્ટ (હૃદય)માં થઈ રહ્યું છે. સેવાની તક
સમજી બધા સાથે જોડાય. આ તબક્કે તેમણે આ કાર્ય માટે જરૂરી એવા નદીમાં ગંદું પાણી, પશુ મૃતદેહ તથા દબાણ જેવા પ્રશ્નોના ઉકેલ પર ભાર મૂક્યો હતો, જેના પ્રતિભાવમાં
સુધરાઇ પ્રમુખે તુરત ઉકેલની ખાતરી આપી હતી. - હાર્દિકભાઈ પાસે વિચાર મૂક્યો ને હવે કાર્ય શરૂ થયાનો આનંદ : ગ્લોબલ કચ્છ
કોર કમિટી મેમ્બર અને જિ. પં. પૂર્વ કા. ચેરમેન મહેન્દ્ર ગઢવીએ કહ્યું કે, કલ્પના કરવી સરળ છે, પરંતુ
ધરાતલ પર ઉતારવા માટે તમામનો સહયોગ જોઈએ. ગંગા સામે ચાલીને આવી છે ત્યારે તેની આરતીમાં
આપણે સામેલ થઈએ, પ્રોજેક્ટની કિંમત સમજજો અને જોડાજો. મુંદરા
ન.પા.ના પ્રથમ મહિલા અધ્યક્ષા રચનાબેન જોશીએ
તેમના કાર્યકાળ દરમિયાન આ વિચારબીજ રોપાયું હોવાનું સ્મરણ કરતાં ઉમેર્યું કે,
કચ્છમિત્રની મોવડી સંસ્થા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ
કચ્છ પ્રમુખ હાર્દિકભાઈ મામણિયા પાસે વિચાર મૂક્યો હતો કે, ભૂખી
નદી નવસર્જન પ્રોજેક્ટ તાલુકા વિસ્તારમાં આગળ વધી રહ્યો છે, ત્યારે
શહેરને જોડતા નદી વિસ્તાર સુધી વિચારણા થાય, જેનું આજે કાર્ય
શરૂ થયું એ હર્ષની વાત છે અને દીર્ઘદૃષ્ટિવાળા આ પ્રોજેક્ટમાં સૌ સહકાર આપે.
મુંદરા શહેર ભાજપ મહામંત્રી હિરેન સાવલાએ કહ્યું કે, આપણા
પ્રકૃતિપ્રેમી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પણ જળસંચય અને નદી નવજીવનના આ પ્રોજેક્ટમાં
ખાસ રસ લઈ સહકાર આપ્યો છે, જે મુંદરાનું એક નજરાણું બનશે એવો
વિશ્વાસ છે. મુંદરા ન.પા.ના પ્રથમ પ્રમુખ કિશોરસિંહ પરમારે અનિવાર્ય કારણોસર ઉપસ્થિત
ન રહી શક્યાનું જણાવીને પૂર્ણ સમર્થન અને સહકાર વ્યક્ત કર્યો હતો. ગ્લોબલ કચ્છ ટ્રસ્ટી
જયંતીભાઈ મામણિયાએ આવકાર આપ્યો હતો. મુંદરા સુધરાઇ કા. ચેરમેન ધર્મેન્દ્રાસિંહ ઝાલાએ
કહ્યું કે, મુંદરા માટે ખૂબ જ આવશ્યક એવું આ કાર્ય થઈ રહ્યું
છે અને તેમાં સદા સાથ માટે હાજર રહીશું. શાસક પક્ષના નેતા દિલીપ ગોરે કહ્યું કે,
આ પ્રોજેક્ટથી મુંદરા ખરા અર્થમાં નંદનવન બનશે એવો વિશ્વાસ છે. - મું.બા.ના સાથથી સફળતા મળશે
: કાર્યક્રમનું ભાવાત્મક સંચાલન કરતાં જયંતી
શેઠિયાએ કહ્યું કે, મુંબઈના વિકાસમાં
`મુંબા'
દેવીના આશિષ છે અને અહીં મુંદરા - બારોઇ (મું.બા.) નગરપાલિકાનો સાથ છે,
કાર્ય સફળ થશે જ. મુંદરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રણવ જોષીએ આભારવિધિ
કરતાં ભૂખી નદી નવસર્જનમાં શહેરને જોડવા બદલ આનંદ વ્યક્ત કરીને શહેર વતી તમામ સહકારની
ખાતરી ઉચ્ચારી હતી. આ પ્રસંગે ન.પા. ઉપાધ્યક્ષા આશાબેન અમિત સોરઠિયા, દંડક પ્રકાશ જી. ઠક્કર, નગરસેવકો લાલુભા પરમાર, ડાયાલાલ ગોહિલ, હીનલબેન કષ્ટા, ચાગબાઇ ફફલ, મોહિનીબેન
ચૂડાસમા, પ્રકાશ પાટીદાર,
ગ્લોબલ કચ્છના કપિલ વ્યાસ, મનીષ વોરા, મેઘના શાહ, દેવિકા ગોર, આયુષી ઠક્કર,
શિવજીભાઈ વિ. આયોજનમાં સહયોગી રહ્યા હતા.