રાજકોટ, તા.19 : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અતિ લોકપ્રિય
અને પ્રતિષ્ઠિત દૈનિક ફૂલછાબ દ્વારા આગામી તા.9 થી તા 17 જાન્યુઆરી
સુધી રાજકોટમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રામકથા અને
તેની સાથે જોડાયેલી `િવદ્યાવૃક્ષ' યોજનાની સમગ્ર વિગતોને રજૂ કરતી વેબસાઈટનુ આગામી
તા.20મીને રવિવારે સવારે 10.30 કલાકે ધોળકિયા સ્કૂલ ખાતે લોન્ચિંગ
થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ડો.નેહલ
શુક્લ, મ્યુનિ.કમિશનરતુષાર સુમેરા, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, કલેક્ટર ડો.ઓમ પ્રકાશ,
રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખીલેશ્વરાનંદજી ઉપરાંત ધોળકિયા સ્કૂલના સંચાલક
કૃષ્ણકાંતભાઈ ધોળકિયા વિશેષ ઉપસ્થિત રહેશે. આ તમામ મહાનુભાવોના હસ્તે જ વેબસાઈટનું
લોન્ચિંગ કરાશે. કાર્યક્રમ અંતર્ગત સોશિયલ મીડિયામાં બહોળી ખ્યાતિ ધરાવતા રાજકોટના
ઈન્ફ્લુએન્ઝર્સનો સન્માન સમારોહ પણ યોજાશે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકોને ઉપસ્થિત
રહેવા ફૂલછાબ પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના 105 વર્ષ જૂના વર્તમાન પત્ર દ્વારા
આયોજિત થઈ રહેલી મોરારિબાપુની રામકથા ફક્ત ઐતિહાસિક જ નહીં પરંતુ પૂર્ણ રીતે સામાજિક
અને વૈશ્વિક બની રહેવાની છે. કથાનો હેતુ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના ગ્રામ્ય
અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. જન્મભૂમિ જૂથ અને સૌરાષ્ટ્ર
ટ્રસ્ટ દ્વારા `િવદ્યાવૃક્ષ' કેમ્પેઈન હેઠળ આ વિરાટ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો
છે.