રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 1 : ચાલુ વર્ષે
ચોમાસાંમાં વરસાદ ખેંચાતાં પશ્ચિમ કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ
ખેડૂતોના પાકો વરસાદના અભાવે `વેન્ટિલેટર' પર હોય તેવી સ્થિતિમાં પહોંચી ગયા છે,
તો બીજી તરફ માલધારીઓ સામે હજારો પશુધન માટે ચારા અને પાણીની ગંભીર સમસ્યા
ઊભી થઈ છે, ખેડૂતો અને પશુપાલકો હવે આકાશ સામે મીટ માંડીને વરસાદની
રાહ જોઈ રહ્યા છે. વરસાદના અભાવે સર્જાયેલી સ્થિતિમાં સરકાર દ્વારા રાહત ભાવે ઘાસચારો
ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવવામાં આવી હોવા છતાં પશ્ચિમ કચ્છનાં અનેક ગામમાં હજુ સુધી
ઘાસચારાની એક પણ ગાંસડી પહોંચી ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે, પરિણામે પશુપાલકો માટે આગામી દિવસો વધુ કપરા બનવાના સંજોગો સર્જાયા છે. આ પરિસ્થિતિ
વચ્ચે માંડવી વિસ્તારના નર્મદા કેનાલ આધારિત ખેડૂતો અને પશુપાલકો દ્વારા માઈનર કેનાલમાં
પાણી છોડવાની માંગ ઊઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો માઈનર
કેનાલમાં પાણી છોડવામાં આવે, તો ઓછામાં ઓછો ચારો બચાવી શકાય તેમ
છે, પરંતુ જ્યાં મુખ્ય કેનાલમાં જ પાણી ઉપલબ્ધ નથી ત્યાં માઈનર
કેનાલ સુધી પાણી પહોંચે કેવી રીતે? આ પ્રશ્નને લઈને ખેડૂતોમાં
ચિંતા સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. માંડવી વિસ્તારના આશરે આઠ કિલોમીટર જેટલા વિશાળ
વિસ્તારને આવરી લેતા નર્મદા કેનાલના 338 નંબરના તબક્કા હેઠળ આવતા કાઠડા, ભારાપર, શિરવા,
મેરાઉ સહિતનાં ગામોના ખેડૂતોએ ધારાસભ્ય તથા સાંસદને રજૂઆત કરી કે તાત્કાલિક
ધોરણે આ કેનાલમાં પાણી છોડવામાં આવે. ખેડૂતોનો આક્ષેપ છે કે, 338 નંબરના તબક્કાની માઈનર કેનાલ
અગાઉ માત્ર ટેસ્ટિંગ પૂરતી જ ચાલુ કરવામાં આવી હતી અને તેમાં પણ અપેક્ષિત સફળતા મળી
નથી. અત્યાર સુધી આ કેનાલ મારફતે કોઈ પણ ખેડૂતનાં ખેતરમાં એક કયારો પણ પિયત થયું નથી, તેવી ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી
છે.
પાક કરતાં પશુધન માટે ચારો મહત્ત્વનો
આ અંગે 338 નંબરના તબક્કાની
પાણી વિતરણ સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં ખેડૂતોના પાક કરતાં પશુધન
માટે ઘાસચારો અતિ મહત્ત્વનો બની ગયો છે. વિસ્તારમાં હજારો પશુ છે અને દિવસો જતા ચારાની
જરૂરિયાત સતત વધી રહી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં ન તો પૂરતો
ચારો છે કે ન તો પાણી. આવા સમયે નર્મદાનું પાણી આ વિસ્તારને મળે તો તે આશીર્વાદરૂપ
બની શકે. પશુધનના જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ચારા-પાકને જો પાણી મળી રહે તો તેને બચાવી
શકાય. દેવાંગભાઈએ વધુમાં જણાવ્યું કે, 338 નંબરનો તબક્કો વિશાળ વિસ્તાર ધરાવે છે અને હાલની પરિસ્થિતિમાં
આ વિસ્તાર માટે પાણી `પ્રાણ પ્રશ્ન' બની ગયો છે. તેથી તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવું
જરૂરી છે. સાથે જ તેમણે 338 નંબરના તબક્કાને
બે વિભાગમાં વહેંચવાની પણ માંગ કરી હતી. ઉપરના લેવલ પરથી પાણી છોડવામાં આવે, ત્યારે આ વિસ્તારની જરૂરિયાત અને રજૂઆતોને ધ્યાનમાં
રાખીને પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે તેવી માંગ તેમણે કરી છે.
પાણી વિતરણમાં ગેરરીતિના આક્ષેપો
બીજી તરફ સ્થાનિક ખેડૂતો અને માલધારીઓ દ્વારા પાણી છોડવાની પ્રક્રિયાને
લઈને પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પાણી છોડવામાં ક્યાંક ગેરરીતિ કે ભ્રષ્ટાચાર
થઈ રહ્યો હોવાની શંકા વ્યક્ત કરી ખેડૂતો અને પશુપાલકોએ સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થાની
યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. હાલ વરસાદના અભાવે પશ્ચિમ કચ્છમાં ખેતી અને પશુપાલન
બંને કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ પાકને બચાવવા પાણીની તાતી જરૂરિયાત
છે, તો બીજી તરફ પશુધન માટે ચારા અને પાણીનો પ્રશ્ન
દિવસેને દિવસે વિકટ બની રહ્યો છે. આવી સ્થિતિમાં 338 નંબરના તબક્કામાં તાત્કાલિક
નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે કે નહીં, તેના પર ખેડૂતો અને માલધારીઓની નજર મંડાઈ છે.