મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 1 : કચ્છમાં વરસાદ
સમયસર ન આવતા માલધારીઓની હાલત કફોડી બની છે, તો પશુ આહાર અને ચારાના ભાવ વધ્યા છે, બીજીતરફ દૂધાળા
પશુઓમાં દૂધ ઘટયા છે, ત્યારે કંપનીઓ પશુઓ માટે ઘાસ, પાણીની વ્યવસ્થા કરી માનવધર્મ નિભાવે તેવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે. કચ્છમાં વરસાદ ખેંચાઈ જતાં
સમગ્ર જિલ્લામાં ચિંતાનું વાતાવરણ છે, ખાસ કરીને બન્નીમાં આશરે
40 હજાર જેટલી માનવ વસતી સામે
દોઢ લાખથી પણ વધુ પશુધન વસે છે. બન્નીમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. જ્યાં પાંચ
લાખ રૂપિયાથી પણ વધુ કિંમતની સિંધી નસલની ભેંસ ગૌરવનું પ્રતીક હતી, ત્યાં આજે તેના માટે એક મુઠ્ઠી ઘાસ મેળવવું
મુશ્કેલ બન્યું છે. વિંધિયારી નસલની ગાયો અને અન્ય અમૂલ્ય પશુધનનું ભવિષ્ય પણ ચિંતાજનક
બની ગયું છે. બન્ની સંપૂર્ણપણે નો-સોર્સ વિસ્તાર છે. અહીં જમીનની અંદર પીવાનું પાણી
ઉપલબ્ધ નથી અને સમગ્ર વિસ્તાર ગુજરાત પાણી પુરવઠા વિભાગ પર આધારિત છે. આજે બન્નીનો
માલધારી આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે. ગુજરાત સરકાર આ ગંભીર પરિસ્થિતિને તાત્કાલિક
ધ્યાને લઈ બન્ની સહિત સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં ઘાસના ડેપો શરૂ કરે, રાહતદરે ઘાસ ઉપલબ્ધ કરાવે, પશુપાલકોને સબસિડી આપે અને
જરૂરી તમામ રાહત પગલાં ઝડપથી અમલમાં મૂકે.
પશુ આહાર,ચારાના
ભાવ વધ્યા
તો બીજી બાજુ વરસાદ ખેંચાવા,
સતત ગરમી અને ઘાસચારાની અછતને કારણે દૂધ ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો નોંધાયો
છે. બન્ની વિસ્તારનું દૂધ ઉત્પાદન અંદાજે 50 ટકા સુધી ઘટી ગયું છે, જેના કારણે માલધારીઓની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે. એક તરફ પશુઓને પૂરતો
ચારો મળતો નથી, તો બીજી તરફ દૂધનું ઉત્પાદન ઘટતાં રોજની આવક પણ
અડધી થઈ ગઈ છે.
ઘાસચારાના ભાવ આસમાને
ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં ઘાસ (પૂળા)નો ભાવ
પ્રતિ કિલો રૂ. 20થી 22 સુધી પહોંચી ગયો છે, જ્યારે ભૂસાની એક ગુણીનો ભાવ આશરે રૂ. 1,300 અને ખોળ (ખોડ)ની એક ગુણીનો
ભાવ રૂા. 2,200 સુધી પહોંચી ગયો છે. આટલા ઊંચા
ભાવ ચૂકવવા છતાં જરૂરી માત્રામાં ઘાસચારો મળતો નથી. કંપનીઓ સીઆરસી ફંડમાંથી પશુ માટે
સગવડતા કરે બન્ની વિસ્તારની આસપાસ આવેલા મોટા રણ વિસ્તારમાં ધોરડો, ખાવડા, હાજીપીર સહિતના
વિસ્તારોમાં કાર્યરત નમક ઉદ્યોગો અને મરીન કેમિકલ કંપનીઓ દ્વારા દર વર્ષે ઈજછ અંતર્ગત
નોંધપાત્ર ફંડ ફાળવવામાં આવે છે. હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઈજછ ફંડમાંથી
બન્ની વિસ્તારના પશુઓ માટે ઘાસચારા અને પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે અત્યંત
જરૂરી છે. સમગ્ર પશુધનનાં હિતમાં ગુજરાત સરકાર તેમજ સંબંધિત ઉદ્યોગો અને તંત્ર સંવેદનશીલ
નિર્ણય લઈ બન્નીના માલધારીઓને આ મુશ્કેલ સમયમાં સહારો આપે એ જરૂરી છે એવું જી. કે.
મુતવાએ જણાવ્યું હતું.
નાની બન્ની, લુડબાય, હાજીપીર વિસ્તારોમાં ઘાસ-પાણીના પ્રશ્નો વિકટ
મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 1 : છેલ્લા એક
દાયકાથી મહેર વરસાવનાર મેઘરાજા આ વર્ષે રૂઠયા હોય તેવું લાગે છે. શ્રાવણ મહિનો આવ્યો
પણ વરસાદ ન થતાં પશુપાલન અને ખેતી વ્યવસાય ચિંતામાં મૂકાયા છે. જિલ્લામાં વરસાદની અનિયમિતતા
અને હવામાનની પ્રતિકૂળ સ્થિતિની અસર હવે પશુધન પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ખાસ
કરીને નખત્રાણા તાલુકાના નાની બન્નીનો વિસ્તાર લુડબાય વિસ્તારમાં માલધારીઓ ગામો તથા
હાજીપીર વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન પણ કફોડી સ્થિતિ સર્જાઈ છે. ખેતીનો પ્રશ્ન એક
તરફ છે, પરંતુ હવે પશુધન માટે પીવાના પાણીનો પ્રશ્ન
વધુ ગંભીર બની રહ્યો છે. સીમ વિસ્તારમાં આવેલા તળાવો અને તળાવડીઓ તળિયાઝાટક થઈ રહ્યાં
છે. જંગલ અને ચરિયાણ વિસ્તારમાં થોડો ઘણો ઘાસચારો ઉપલબ્ધ હોવા છતાં પાણીના અભાવે પશુઓને
ગામની આસપાસ રાખવાની માલધારીઓને ફરજ પડી રહી છે. નાની બન્નીના જી.કે. મુતવાએ જણાવ્યું
કે, સમગ્ર નાની બન્ની (તા. નખત્રાણાના ગામો), લુડબાય વિસ્તારમાં આવતા માલધારીઓનાં ગામો ઉપરાંત હાજીપીર વિસ્તારમાં આવતા માલધારીઓ
પાસે મોટા પ્રમાણમાં પશુઓ છે, પણ વરસાદ ખેંચાતાં આ માલધારીમાં
નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દુબળા પડી રહેલા પશુધનને જોઈ માલધારીઓની ચિંતા
વધી રહી છે. હાજીપીર વિસ્તાર હેઠળ આવતા વિવિધ ગામો, છારી-ફુલાય
ગ્રામ પંચાયત, લુડબાય જૂથ ગ્રામ પંચાયત તેમજ લુણા-હાજીપીર જૂથ
ગ્રામ પંચાયતના અનેક ગામોમાં સીમાડામાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની અછતની અસર જોવા
મળી રહી છે. પાણી અને ઘાસચારાની અછતની સીધી અસર દૂધના ઉત્પાદન પર પણ પડી રહી છે. એક
તરફ પશુઓના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ ઘાસચારા
અને પશુ આહારના ઊંચા ભાવને કારણે માલધારીઓ પર બેવડો આર્થિક બોજ પડી રહ્યો છે. પરિસ્થિતિ
માત્ર ગાય-ભેંસ પૂરતી મર્યાદિત નથી, ઘેટાં અને બકરાં સહિત નાના
પશુઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માલધારીઓની નજર હજુ પણ આકાશ તરફ
મંડાયેલી છે. મેઘરાજા મહેર કરે, સારો અને પૂરતો વરસાદ વરસે અને
બન્નીની ધરતી ફરી હરિયાળી બને તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે. આ સાથે પરિસ્થિતિ વધુ
વિકટ બને તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા આ વિસ્તારમાં અને હાજીપીર વિસ્તારના પશુધન
માટે પીવાના પાણી, ઘાસચારા અને પશુ આહારની તાત્કાલિક વ્યવસ્થા
કરવામાં આવે તેવી માલધારીઓની લાગણી છે.