• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામ મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે સત્તાપક્ષને હંફાવ્યો

ગાંધીધામ, તા. 1 : ગાંધીધામ મહાનગરપાલિકાની મંગળવારે મળેલી સામાન્ય સભા સતત હોબાળા વચ્ચે પૂર્ણ થઈ હતી. વિપક્ષના 10 સભ્યએ સત્તાધારી પક્ષને હંફાવ્યો હતો. સભામાં મુખ્ય સાત એજન્ડા ઉપર ચર્ચા જ ન થઇ. થ્રી એ પ્રમાણપત્ર, ભ્રષ્ટાચાર, સિટી ઇજનેર અને કોન્ટ્રાક્ટરમાંથી કોર્પોરેટર સહિતના મુદ્દાઓ ગાજ્યા હતા. ત્યારબાદ સભાને આટોપી લેવામાં આવી હતી.

પેપર લીકની જેમ પ્રમાણપત્ર લીક થયું

મેયર દિવ્યાબેન નાથાણીની અધ્યક્ષતામાં મળેલી સભાના પ્રારંભે વિપક્ષના નેતા ભરત ગુપ્તાએ વોર્ડ-1 ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યો છે. પેપર લીકની જેમ કોર્પોરેશનમાં પણ 3-એ પ્રમાણપત્ર લીક થયું છે. એક્ઝિક્યુટિવ એન્જિનીયર નથી તેમ છતાં આઉટસોર્સના ઇજનેરે પીએમસી એજન્સી એસઆરડીને પ્રમાણપત્ર આપ્યું છે. આવું કહેતાની સાથે જ સભામાં હોબાળો થયો હતો. સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સામ સામે આવી ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદારોને નોટિસ આપવામાં આવી છે તેવું કહ્યું હતું તે વચ્ચે સભામાં પાછલી હરોળમાં બેઠેલા સત્તાધારી પક્ષના અમુક કોર્પોરેટરે હંગામો મચાવવાનું ચાલુ રાખ્યું હતું ત્યારબાદ વિપક્ષના અમિત ચાવડાએ પણ આ મુદ્દે કમિશનરને સવાલો પૂછયા હતા અને આ પ્રમાણપત્ર આપવાના મામલામાં હજુ સુધી કેમ પગલાં ભરાયાં નથી તેવો સવાલ કર્યો હતો.

તપાસ રિપોર્ટ આવ્યા બાદ જરૂર હશે, તો ફોજદારી કરાશે

આ ઉપરાંત સિટી ઇજનેર ફિલ્ડમાં જતા જ નથી, કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેના જવાબમાં કમિશનરે ડીપીઆઈ પૂરતો અભિપ્રાય અપાયો છે તપાસ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને સોંપવામાં આવી છે અને 15 દિવસમાં તેનો રિપોર્ટ આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે ફરિયાદ કરવાના મામલામાં કમિશનરે કોઈ મધ્યસ્થીએ ફરિયાદ કરવાની જરૂરિયાત નથી રિપોર્ટ બાદ જરૂર પડશે, તો મહાનગરપાલિકા ખુદ ફોજદારી કરશે તેમ જણાવ્યું હતું.

કોન્ટ્રાક્ટર કોર્પોરેટર પદે રહી ન શકે

વિપક્ષી નેતાએ કોર્પોરેટર દીપક વાઘમશી અંકિતા કન્સ્ટ્રકશનના માલિક છે, નિયમ મુજબ તે કોર્પોરેટર પદે રહી શકે નહીં કે સહિતના સવાલો ઊઠાવતા ફરીથી હંગામો થયો હતો. તેના કોર્પોરેટરનો બચાવ કરતા ચૂંટણી પછી એક પણ કામ અંકિતા કન્સ્ટ્રક્શનને અપાયું નથી તેમ જણાવ્યું હતું, પરંતુ આ મામલો શાંત થયો નહીં પરિણામે  સત્તાધારી પક્ષે સામાન્ય સભા પૂર્ણ કરીને વોકાઉટ કરી લીધું હતું. અને વિપક્ષે અમે વોકઆઉટ નહીં કરીએ તેમ કહીને સભાખંડમાં જ સભ્યો બેઠા  રહ્યા હતા. એ દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરની 15મી ઓગસ્ટના સલામી આપવાના બદલે છાતી ઉપર હાથ રાખીને સલામી આપતી તસવીર બતાવી હતી અને તેમની સામે પગલાં ભરવાની માંગ કરી હતી.

વિવિધ ઠરાવો બહુમતી પસાર

સામાન્ય સભામાં મહાનગરપાલિકા વિસ્તારની આંગણવાડીમાં હસ્તાંતરણ કરવી, ઓસ્લો સર્કલ ઉપરની દુકાનોનાં દબાણ હટાવ્યા પછી કેબિન ધારકોને પુન:વસન માટે પ્લોટ ફાળવવા, ગાંધી માર્કેટનું જર્જરિત બિલ્ડિંગ નવેસરથી દુકાનો બનાવીને આપવી, કોર્પોરેટરોને માનદ વેતન અને ભથ્થા, રેડક્રોસ ચાર રસ્તા પાસેનું  વેન્ડર ઝોન હેન્ડ ઓવર લઈને નિર્ણય લેવો, આદિપુર શાકમાર્કેટનું કામ પૂર્ણતાના આરે છે તેને હેન્ડ ઓવર લેવું તે સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ નથી, પરંતુ બહુમતીથી તેને પસાર કરવામાં આવ્યા હતા.

વિપક્ષ રીલ બનાવવા આવ્યો હોય તેવું વર્તન : તેજશ  શેઠ

વિપક્ષે એજન્ડા ઉપર ચર્ચા ન કરીને રીલ બનાવવા આવ્યા હોય તેમ ખોટા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના પગલે બહુમતીથી એજન્ડાઓ પસાર કરવામાં આવ્યા છે તેમ કહીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજશ શેઠે વિપક્ષ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. વિકાસનાં કામની વાતો કરવામાં આવતી નથી, ગામ તથા શહેરનાં કામોને વાતો ચર્ચાઓ કરવામાં આવતી ન હોવાનું કહ્યું હતું. વિપક્ષ જાણે રીલ  બનાવવા અને ફરવા આવતા હોય તેવું લાગી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે સભામાંથી વોક આઉટ નહીં, પણ સભા પૂરી કરી હોવાનું કહ્યું હતું.

ઇજનેરોના બચાવમાં કમિશનર આવ્યા

એસઆરડી અને થ્રી એનું પ્રમાણપત્ર આપવાના મામલામાં આઉટસોર્સિંગથી ભરતી થયેલા ઇજનેરના બચાવમાં કમિશનર આવ્યા હતા. અત્યાર સુધી કમિશનરે કોઈ પગલાં ભર્યાં નથી, પરંતુ હવે બચાવમાં સામે આવ્યા છે, જે જવાબ અપાયા છે તે વિપક્ષના ગળે ઉતરતા નથી. આ ઉપરાંત અમિત ચાવડાએ ઉઠાવેલા સવાલના જવાબમાં સિટી ઇજનેરના મામલામાં કમિશનર રીતસર બચાવની ભૂમિકામાં આવ્યા હતા અને ગાંધીધામ ડેવલપમેન્ટના ક્રાંતિકારી ફેઝમાંથી પસાર થાય છે તેમ જણાવ્યું હતું.

અંકિતા કન્સ્ટ્રક્શન પાસેથી 25 લાખનો દંડ વસૂલાશે

તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીએ કામગીરીને લઈને અંકિતા કન્સ્ટ્રકશનને 25 લાખનો દંડ ફટકાર્યો હતો, પરંતુ અત્યાર સુધી તે દંડની વસૂલાત થઈ નથી વિપક્ષના અને શ્રી ચાવડાએ આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને સવાલો પૂછતાં તેમણે દંડ વસૂલાતમાં મોડું થયું છે, પણ તેમની પાસેથી 25 લાખનો દંડ વસૂલવામાં આવશે જ અને તે કામના રૂપિયાનું પેમેન્ટ કરતા પહેલાં તેમાંથી તે રકમ કાપી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સામાન્ય સભામાં ગંભીર મુદ્દાઓ ભુલાયા

સત્તાપક્ષ અને વિપક્ષના હોબાળા  વચ્ચે 188 ચોરસ કિલોમીટરના વિસ્તારના ગંભીર મુદ્દાઓ ભુલાયા છે. માર્ગોના કામમાં ગુણવત્તા સાથે બાંધછોડ, ડિવાઈડર અને રોડ સમાંતર, ગઠ્ઠા જામેલો ડામર પાથરવામાં આવે છે, બગીચાના અધૂરાં કામો અને તેમાં ગંભીર બેદરકારી, લાઇબ્રેરી, ફાયર સ્ટેશન, માર્ગોના નવીનીકરણમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ, 70 ટકા માર્ગો ઉપર પડેલા ખાડાઓ, સિટી ઇજનેર તથા આઉટ સોર્સના એન્જિનીયરોની ગંભીર બેદરકારીઓ સહિતના મુદ્દાઓ ભુલાયા છે, જેનું પરિણામ છ લાખ લોકોને ભોગવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આનો જવાબ કોણ આપશે, તે પણ એક મોટો પ્રશ્ન છે.

Panchang

dd