કાઠડા (તા. માંડવી), તા. 16 : વરસાદ ખેંચાતાં
કચ્છમાં પશુધન માટે ઘાસચારાની તંગી ગંભીર બની રહી છે. પશુધનને રાહત આપવા સરકારે રાહતદરે
ઘાસચારા વિતરણની વ્યવસ્થા શરૂ કરી છે અને માંડવી તાલુકામાં શેરડી, ગઢશીશા, મકડા અને મોટી
ઉનડોઠ ખાતે ચાર ઘાસડેપો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ ઘાસનો જથ્થો
ઓછો હોવાથી પશુપાલકોને મુશ્કેલી ઊભી થાય છે.
શેરડીના ઘાસડેપોમાં નાની ભાડઇ, મોટી ભાડઇ, શિરવા, કાઠડા, મેરાઉ, કોજાચોરા, વાંઢ સહિત 29 ગામનો સમાવેશ કરવામાં આવ્યો
છે. આ ગામોમાં અંદાજે ચાર હજાર જેટલા પશુપાલકે ઘાસકાર્ડ બનાવ્યા છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં કાર્ડધારકો સામે
ડેપો પર રોજ માત્ર એક ગાડી આવે છે, જેમાં આશરે 43 ગાંસડી ઘાસ આવે છે, જો રોજ માત્ર એક કાર્ડધારકને એક ગાંસડી આપવામાં
આવે તો પણ તમામ કાર્ડધારકોને એક વખત ઘાસ મળવામાં મહિનાઓ લાગી જાય તેવી સ્થિતિ છે. બીજી
તરફ કાઠડા જેવા ગામડેથી શેરડી ડેપોનું અંતર આશરે 25 કિ.મી. છે. પશુપાલક વાહનનો
ખર્ચ અને સમય કાઢીને ઘાસ લેવા પહોંચે, ત્યારે ઘાસ મળશે કે નહીં તેની પણ કોઇ ખાતરી રહેતી નથી તેવું પશુપાલકો કહી રહ્યા
છે.
પશુપાલકોની કતાર
શેરડી ઘાસડેપો મેનેજર સુરેશભાઇ પરમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું
હતું કે, હાલ રોજ એક ગાડી આવે છે અને તેમાં આશરે 43 જેટલી ગાંસડી હોય છે. ગાડી
ડેપો પર પહોંચે તે પહેલાં જ માલધારીઓ ઘાસ લેવા માટે તૈયાર બેઠા હોય છે અને ગાડી આવતાં
જ ઘાસનું તાત્કાલિક વિતરણ કરી દેવામાં આવે છે અને વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં ઘાસની માંગ ખૂબ વધારે છે. જો વધુ ગાડીઓ
આવે તો વધુ પશુપાલકોને ઘાસ આપી શકાય, પરંતુ હાલમાં ઘાસના પુરવઠાની
અછત છે. કેટલાંક ગામડાં એવા પણ છે જ્યાં હજુ સુધી ઘાસ પહોંચી શકતું નથી.
કાઠડામાં 100 ઘાસકાર્ડ
ગૌસેવાની કામગીરી સંભાળતા કાઠડાના ભારૂભાઇ ગઢવીએ જણાવ્યું હતું
કે, આ ગામે 100 જેટલા પશુપાલકે ઘાસકાર્ડ બનાવ્યાં
છે, પરંતુ હજી સુધી એક પણ પશુપાલકને સરકારી ઘાસ
મળી શક્યું નથી અને હાલમાં ગૌસેવા માટે બહારથી ખાનગી રીતે ઘાસની ગાંસડીઓ મગાવવામાં
આવે છે. આ ઘાસ આશરે રૂા. 13 પ્રતિ કિલ્લોના
ભાવે આવે છે અને પશુપાલકોને પણ એ જ ભાવે આપવામાં આવે છે, છતાં ઘાસની માંગ એટલી વધારે છે કે ઘાસની ગાડી
આવે ને તરત જ જથ્થો ખતમ થઇ જાય છે.
ડેપો વધારો
સરકારે માંડવી તાલુકામાં ચાર ઘાસડેપો શરૂ કર્યા, પરંતુ માત્ર ચાર ઘાસડેપો શરૂ કરવામાં આવ્યા
છે, જે પણ ગ્રામ્ય અને કાર્ડધારકો મુજબ ગોઠવણી કરીને ડેપોની ફાળવણી
નથી કરાઇ, જેથી અમુકને લાંબાં અંતરે પહોંચવું પડે અને ઘાસડેપો
દૂર હોતાં સંખ્યા વધારવા માંગ ઊઠી હતી.