• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

નંબર પ્લેટની નબળી ગુણવત્તાથી વાહનધારકો પરેશાન

કેયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 16 :  આજથી આશરે દસકા પહેલાં વાહનોમાં ચિતરામણી, અવનવી ડિઝાઈનોની જગ્યાએ આધુનિક એવી નંબરપ્લેટ સરકારે ફરજિયાત બનાવી અને હવે અત્યારે મોટાભાગના વાહનમાં એચએસઆરપી તરીકે ઓળખાતી નંબર પ્લેટ આવી ગઈ છે પરંતુ થોડા સમયથી તેની ગુણવત્તા નબળી હોવાની વાહનધારકોની ફરિયાદ પ્રબળ બની રહી છે.  આટલું ઓછું હોય એમ હવે નંબરપ્લેટનું કામ વાહનવિક્રેતાઓ પાસે હોવાથી કેટલાક ડીલરો તેને બનાવીને ફિટ કરવામાં મનમાન્યા ભાવ લેવામાં આવતા હોવાની પણ વ્યાપક રાવ ઊઠી રહી છે. કમિશનર કચેરીના સ્તરેથી આ દિશામાં ધ્યાન દેવાય અને નંબરપ્લેટની ગુણવત્તા સુધરે તેમજ વાહનવિક્રેતાઓ `પોષાય' તેવા ભાવ વસૂલે તેવી માંગ પ્રબળ બની રહી છે.

ગુણવત્તાનો મુદ્દો ચર્ચામાં

હાલના સમયમાં મહાનગરોમાં ભારે વરસાદે હાઈ સિક્યોરિટી નંબરપ્લેટની પોલ ખોલી હોય એમ ધડાધડ નંબરપ્લેટ ઝાડ પરથી પાન ખરે તેમ વાહનોમાંથી પડી જતાં આવી નંબરપ્લેટોની ગુણવત્તાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ભલે કચ્છમાં જોઈએ એવો વરસાદ જ પડયો નથી પરંતુ  સરહદી જિલ્લો હોવાથી નંબરપ્લેટની ગુણવત્તા મહત્ત્વની બની રહે છે. 

નંબરપ્લેટ અદ્યતન પણ તેની ગુણવત્તા કેમ નબળી

અનેક લોકો નંબરપ્લેટ વિશે ફરિયાદ કરતાં કહી રહ્યા છે કે ટુવ્હીલરમાં લગાવવામાં આવતી અત્યાધુનિક નંબરપ્લેટની પ્લેટ જ એટલી નબળી હોય છે કે થોડા સમયમા તે બેવડ વળી જાય છે. નંબર પર લગાવવામાં આવતી બ્લેક ફિલ્મ પણ ઝાંખી પડી જતી હોવાની પણ ફરિયાદ છે. નંબર પરની કાળી ફિલ્મ ઊતરી જવાની તકલીફ આમ તો ફોર વ્હીલર શ્રેણીના વાહનોમાં વધુ છે. કારધારકો જણાવે છે કે તેમનૃં વાહન બીજી કે ત્રીજી સર્વિસ વખતે જ કાળી ફિલ્મ વિનાના નંબરોવાળું થઈ જાય છે. આ અંગે ભૂતકાળમાં પણ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ નક્કર સંતોષજનક નિરાકરણ આવ્યું નથી. તેને કારણે અનેક વાહનધારકો ઉખડી ગયેલી નંબરપ્લેટ પર કાળા રંગનો પીંછો લગાવી દેવાનો જુગાડ પણ કરી લેતા હોવાની ચર્ચા છે.

બીજી વખત માટે પણ રકમ ભરવી પડતી હોવાની ફરિયાદ

વાહનધારકોએ જણાવ્યું કે એક વખત વાહન ખરીદતી વખતે નંબરપ્લેટ માટે પણ નિયત ફી ચૂકવ્યા બાદ કોઈ કારણસર નંબરપ્લેટ તૂટી જાય કે બટકી જાય કે કોઈ પણ રીતે નુકસાન પામે તો ફરીથી નંબરપ્લેટ બનાવવા માટે જે ડીલર પાસેથી વાહન ખરીદ્યું હોય ત્યાં જવું પડે છે અને ફરીથી મોટી ફી ભરો ત્યારે નવી નંબરપ્લેટ લાગે છે. ઘણી વખત તો એવું બને છે કે વાહનના આગળના ભાગની નંબરપ્લેટ જરા તૂટી હોય તો પણ ડીલર પાસે બંને નંબર પ્લેટ નવી જ નખાવવી પડે છે. વાહનધારકોએ પ્રશ્ન કર્યો હતો કે એક વખત નંબરપ્લેટ માટે રૂપિયા ચૂકવી દીધા પછી જો તેને નુકસાન થાય તો નવી પ્લેટ માટે ફરીથી રૂપિયા શા માટે ચૂકવવા પડે? સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા થઈ ન હોવાથી આ કિસ્સામાં ડીલર કહે તેમ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી એમ વાહનધારક વર્ગે હતાશા સાથે જણાવ્યું હતું.

મોટા દંડની જોગવાઈ

જો વાહનમાં એચએસઆરપી નંબર પ્લેટ નહીં હોય, તો ટ્રાફિક પોલીસ દ્વારા હજારો રૂપિયા સુધીનો દંડની જોગવાઈ છે.

ભારેખમ ફી વસૂલાતી હોવાની ઊઠતી રાવ

વાહનો માટેની નંબરપ્લેટ બટકી પડે કે વળી જાય તે પછી વાહન ધારક જ્યારે વાહનડીલર પાસે જાય ત્યારે ફી સાંભળીને નવાઈમાં પડતો હોય છે. અનેક લોકોએ ફરિયાદના સૂરમાં કહ્યું કે તેમને નંબરપ્લેટ ફરીથી લગાવવા માટે પણ ભારે ફી ચૂકવવી પડે છે.

ડીલરો પાસે નંબરપ્લેટ કેટલામાં `પડે'?

જાણકારો પાસેથી મળતી વિગત મુજબ ટુવ્હીલર માટે રૂા.495, કાર સહિત હળવા ફોરવ્હીલર માટે રૂા.750 સુધી અને ટ્રક જેવાં વાહનો માટે રૂા.739 સુધીની ફી વસૂલવામાં આવી રહી છે.

તૂટેલી પ્લેટ દેખાય છે પણ ગુણવત્તાની તપાસ કાં નહીં?

ટ્રાફિક પોલીસ કે આરટીઓ તંત્રને વાહનની તપાસ વખતે તૂટેલી કે વળી ગયેલી નંબરપ્લેટ તો દેખાય છે પરંતુ આજ દિવસ સુધી નંબર જેના પર અંકિત થયા છે તે પ્લેટની ગુણવત્તા અંગે કોઈ જ તપાસ કરવામાં આવી હોવાનું જાણમાં નથી.

તંત્ર જાગે તો રાહત થાય

 આરટીઓ તરફથી તપાસ કરવામાં આવે અને નંબર પ્લેટની ગુણવત્તા સુધારવામાં આવે તેમજ નિયત કરતાં વધુ ફી વસૂલાય છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરીને જો તેવું કાંઈ ધ્યાને આવે તો ધાક બેસાડતાં પગલાં લેવાય એવી વાહનધારક વર્ગની માગણી છે.

જૂના વાહનો માટે ફરજિયાત

1 એપ્રિલ 2019 પહેલાં નોંધાયેલા તમામ વાહનો પર હાઇ-સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવવી સરકારી નિયમ મુજબ  ફરજિયાત છે.  જોકે આજની તારીખે પણ અનેક વાહનો જૂની નંબરપ્લેટ સાથે માર્ગો પણ જોવા મળી રહેતા હોવાથી સરકારી નિયમની અમલવારી સામે સવાલ ઊઠે એ સ્વાભાવિક છે.

મૂળ હેતુ જ સરતો નથી

એચએસઆરપી નંબરપ્લેટ લગાવવાનો મૂળ હેતુ વાહનની સુરક્ષાનો હતો. એક સરખી અને સ્પષ્ટ વંચાય તેવી નંબરપ્લેટથી ચોરી કે તેના જેવી કોઈ સ્થિતિ વખતે વાહનની ઓળખમાં સરળતા રહેતી હોય છે. જો નંબરપ્લેટ પડી જાય કે તૂટી જાય તો વાહનની ઓળખમાં મુશ્કેલી સર્જાઈ શકે છે અને તેમ થવાથી તેનો હેતુ જ સરતો નથી.

નિયમ પાળે કોણ છે ?

સરકારી નિયમ મુજબ વાહનની નંબરપ્લેટ સ્નેપલોક વડે જ ફીટ કરવાની હોય છે પરંતુ અનેક જગ્યાએ આ નિયમનું પાલન થતું ન હોવાનું જાણવા મળે છે. જાણકારોના દાવા પ્રમાણે સ્નેપલોકની જગ્યાએ સામાન્ય અને સસ્તા રિવેટ પ્રકારના ક્રૂ વડે નંબરપ્લેટ લગાડી દેવામાં આવે છે.

અદ્યતન પ્લેટની વિશેષતા

ટેમ્પર-પ્રૂફ લોક : આ નંબર પ્લેટ એવા સ્નેપ લોકથી ફીટ કરવામાં આવે છે જેને સરળતાથી કાઢી કે બદલી શકાતી નથી, જેનાથી વાહન ચોરીની ઘટનાઓ ઘટે છે.

લેસર-એચ્ડ કોડ : દરેક પ્લેટ પર એક યુનિક લેસર કોડ અને અશોક ચક્ર જેવું ક્રોમિયમ હોલોગ્રામ હોય છે, જે સુરક્ષા વધારે છે.

કલર-કોડેડ સ્ટીકર : વાહનના ફ્યુઅલ (પેટ્રોલ/ડીઝલ) મુજબ વિન્ડશિલ્ડ પર ચોંટાડવા માટેનું અલગ કલર સ્ટીકર મળે છે.

Panchang

dd